<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

AI સાથેની ચેટ હવે ખાનગી નથી: કોર્ટમાં તમારી સામે પુરાવા તરીકે થઈ શકે છે ઉપયોગ

ચેટજીપીટી અને ક્લાઉડ જેવી સિસ્ટમ્સ કાનૂની સુરક્ષા હેઠળ નથી, અમેરિકામાં જજના ઐતિહાસિક ચુકાદાથી યુઝર્સમાં ભારે ફફડાટ

ન્યૂ યોર્ક: આજના ડિજિટલ યુગમાં જો તમે ચેટજીપીટી કે ક્લાઉડ જેવા એઆઈ (AI) સાધનો સાથે તમારી અંગત કે કાનૂની વાતો શેર કરી રહ્યા છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. અમેરિકાની અદાલતના એક તાજેતરના આદેશ બાદ વકીલોએ ગંભીર ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેની તમારી વાતચીત કાયદેસર રીતે સુરક્ષિત નથી. ન્યૂ યોર્કના એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે એઆઈ દ્વારા જનરેટ થયેલા દસ્તાવેજો અને ચેટ લોગ્સને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જે રીતે વકીલ અને અસીલ વચ્ચેની વાતચીત ગોપનીય ગણાય છે, તેવી સુરક્ષા મશીન સાથેની વાતચીતને મળવાપાત્ર નથી.
આ વિવાદની શરૂઆત બ્રેડલી હેપનર નામના એક એક્ઝિક્યુટિવના કેસથી થઈ હતી, જેમના પર છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા હતા. હેપનરે તેના વકીલો માટે રિપોર્ટ તૈયાર કરવા માટે 'ક્લાઉડ' ચેટબોટની મદદ લીધી હતી. જ્યારે ફરિયાદીઓએ આ એઆઈ-જનરેટેડ દસ્તાવેજોની માંગણી કરી, ત્યારે બચાવ પક્ષે તેને ગુપ્ત રાખવાની દલીલ કરી હતી. જોકે, જજ જેડ રાકોફે આ દલીલ ફગાવી દેતા જણાવ્યું હતું કે એઆઈ સાથે શેર કરેલી વિગતો એટર્ની-ક્લાયન્ટ વિશેષાધિકાર હેઠળ આવતી નથી. આ આદેશને પગલે હેપનરે તેના બચાવ સાથે જોડાયેલા ૩૧ જેટલા અત્યંત સંવેદનશીલ દસ્તાવેજો કોર્ટ સમક્ષ જાહેર કરવા પડ્યા છે, જે કોઈપણ વ્યક્તિ માટે કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.
કાનૂની નિષ્ણાતો હવે તેમના અસીલોને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. ઘણી લો-ફર્મ્સ હવે તેમના કરારોમાં પણ સુધારો કરી રહી છે, જેથી યુઝર્સને ખબર પડે કે એઆઈમાં ડેટા ઇનપુટ કરવાથી તેઓ અજાણતાં જ પોતાની કાનૂની સુરક્ષા ગુમાવી શકે છે. વ્યક્તિગત, નાણાકીય કે વ્યૂહાત્મક માહિતી જ્યારે એઆઈ સિસ્ટમમાં નાખવામાં આવે છે, ત્યારે તે 'ડિસ્કવરેબલ' બની જાય છે, એટલે કે વિરોધ પક્ષ તેને કોર્ટની કાર્યવાહીમાં મંગાવી શકે છે. આ ઐતિહાસિક ચુકાદાએ વૈશ્વિક સ્તરે જનરેટિવ એઆઈના ઉપયોગ અને તેની ગોપનીયતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.

(12:07 AM IST)