તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પાકિસ્તાનને પછાડી સમુદ્રના પેટાળમાંથી આવશે સસ્તો ગેસ: ભારત-ઓમાન મેગા પાઇપલાઇન બદલશે દેશનું નસીબ
₹૪૦,૦૦૦ કરોડના ખર્ચે અરબી સમુદ્રમાં ૩.૫ કિમીની ઊંડાઈએ બિછાવાશે સૌથી સુરક્ષિત એનર્જી કોરિડોર : શિપિંગ અને પ્રોસેસિંગનો અબજોનો ખર્ચ બચતા ઘરેલું LPG અને વાહનોના CNG ના ભાવમાં થશે મોટો ઘટાડો

મસ્કત : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંકટ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને કાયમ માટે અભેદ્ય બનાવવાનો માસ્ટરપ્લાન તૈયાર કરી લીધો છે. ભારત સરકાર ₹૪૦,૦૦૦ કરોડના મહત્વાકાંક્ષી 'મિડલ ઈસ્ટ-ઇન્ડિયા ડીપવોટર પાઇપલાઇન' પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે, જે ઓમાનના દરિયાકાંઠાને સીધો ગુજરાત સાથે જોડશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાકિસ્તાનના જમીની માર્ગને સંપૂર્ણપણે બાયપાસ કરી દેશે, જેનાથી પાડોશી દેશની દખલઅંદાજી અને ભારેભરખમ ટ્રાન્ઝિટ ફી ચૂકવવાની ઝંઝટ કાયમ માટે ખતમ થઈ જશે અને ભારતને સીધો ખાડી દેશોમાંથી કુદરતી ગેસનો અવિરત પુરવઠો મળતો રહેશે.
અગાઉ ભારતે જમીન માર્ગે ગેસ લાવવા માટે ઇરાન-પાકિસ્તાન-ભારત (IPI) અને તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત (TAPI) જેવા પ્રોજેક્ટ્સ પર વિચાર કર્યો હતો, પરંતુ પાકિસ્તાનની આડોડાઈ અને સરહદી અસ્થિરતાને કારણે આ પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ રહી ગયા હતા. આથી જ ઓમાન સાથેનો આ અન્ડરવોટર પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. જો કે, અરબી સમુદ્રમાં ૩.૫ કિલોમીટરની પ્રચંડ ઊંડાઈએ પાણીના અતિશય દબાણ વચ્ચે આ પાઇપલાઇન નાખવી એ એન્જિનિયરિંગનો એક અદભુત અને જોખમી ચમત્કાર હશે, જેના માટે ખાસ જાડા સ્ટીલના સ્તરો, અદ્યતન કોટિંગ અને ભવિષ્યમાં કોઈ લીકેજ રીપેર કરવા માટે સ્પેશિયલ રોબોટિક સિસ્ટમ્સ નો ઉપયોગ કરવામાં આવશે.
વધતી જતી અર્થવ્યવસ્થાને કારણે ભારતમાં ગેસનો વપરાશ ૨૦૩૦ સુધીમાં વધીને દરરોજ ૩૬૫ મિલિયન ક્યુબિક મીટર થવાની સંભાવના છે, જેની સામે આ પાઇપલાઇન દેશની જીવાદોરી બનશે. હાલમાં વિદેશથી આવતા લિક્વિફાઇડ ગેસ (LNG) ના ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ પાછળ જે અબજો રૂપિયાનો શિપિંગ ખર્ચ થાય છે તે આ સીધી પાઇપલાઇનથી બચી જશે. આ બચતને કારણે દેશમાં સામાન્ય નાગરિકો માટે વાહનોના CNG અને રસોઈના LPG ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. ભવિષ્યમાં આ નેટવર્કને યુએઈ, સાઉદી અરેબિયા અને કતાર સુધી લંબાવવાની યોજના છે, જે ભારતીય ઘરો અને ઉદ્યોગોને કાયમી ધોરણે સસ્તી ઉર્જા પુરી પાડશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
