તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ચેન્નાઈ એરપોર્ટ પર એર અરેબિયાની ફ્લાઈટમાં મુસાફરનું જોખમી સાહસ: લેન્ડિંગ બાદ ચાલતા વિમાનનું ઈમરજન્સી એક્ઝિટ ખોલી રનવે પર કૂદી પડતા દોડધામ
શારજાહથી આવેલી ફ્લાઈટ ટેક્સીવે પર હતી ત્યારે જ મુસાફરે છલાંગ લગાવી: સુરક્ષા એજન્સીઓએ શખ્સને દબોચી લીધો, ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે મુખ્ય રનવે એક કલાક માટે બંધ રખાયો

ચેન્નાઈ : ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક ચોંકાવનારી ઘટનામાં શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટના મુસાફરે વિમાનના ઈમરજન્સી દરવાજો ખોલીને નીચે કૂદી પડતા એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. વિમાન રનવે પર લેન્ડ થયા બાદ જ્યારે ધીમે ધીમે ટેક્સીવે તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે જ આ મુસાફરે અચાનક દરવાજો ખોલી છલાંગ લગાવી દીધી હતી. આ આકસ્મિક ઘટનાથી વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને પાયલટે તાત્કાલિક ગ્રાઉન્ડ કંટ્રોલને જાણ કરી સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુસાફરની તબિયત ફ્લાઈટ દરમિયાન લથડી હતી અને તેને સતત ઉબકા તેમજ ઉલટી થતી હોવાથી માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. ઘટના બાદ તુરંત જ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનોએ રનવે પર દોડી જઈ મુસાફરને અટકાયતમાં લીધો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. સદનસીબે, વિમાન હજુ ધીમી ગતિએ ચાલતું હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એરપોર્ટના ઓપરેશનલ પ્રોટોકોલ મુજબ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સુરક્ષા ભંગને કારણે સાવચેતીના પગલા તરીકે એરપોર્ટનો મુખ્ય રનવે સવારે 3:23 થી 4:23 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન આવતી-જતી તમામ ફ્લાઈટ્સને સેકન્ડરી રનવે પર વાળવાની ફરજ પડી હતી, જેના કારણે હવાઈ પરિવહન પર થોડી અસર જોવા મળી હતી. એરપોર્ટ સત્તાવાળાઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે સુરક્ષાના કડક નિયમો હોવા છતાં મુસાફર આટલી આસાનીથી ઈમરજન્સી એક્ઝિટ કેવી રીતે ખોલી શક્યો. હાલમાં આરોપી મુસાફરની પૂછપરછ ચાલી રહી છે અને તેની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
