<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમદાવાદમાં BLOs સાથે સંવાદ યોજ્યો: ભારતીય લોકતંત્રની પારદર્શકતા અને યુવા મતદારો પર આપ્યો વિશેષ ભાર

મતદાર યાદીની ચોકસાઈથી લઈને EVM-VVPAT ના મોક પોલ સુધી, ચૂંટણીના દરેક તબક્કે થાય છે કડક ચકાસણી: CEC

અમદાવાદ : ભારતની ચૂંટણી પ્રણાલી તેની સુદ્રઢ સુરક્ષા અને પારદર્શકતા માટે વિશ્વભરમાં એક અનોખી ઓળખ ધરાવે છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે યોજાયેલા ‘બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ’ કાર્યક્રમ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ભારતીય ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને મતગણતરીના અંતિમ તબક્કા સુધી દરેક સ્તરે રાજકીય પક્ષો અને ઉમેદવારોના એજન્ટોની સક્રિય ભાગીદારી રહે છે, જે આ સમગ્ર પ્રક્રિયાને વિશ્વની સૌથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાઓમાંની એક બનાવે છે.

ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં બૂથ લેવલ ઓફિસર્સની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા કમિશનરે જણાવ્યું હતું કે BLOs અને બૂથ લેવલ એજન્ટો (BLAs) ની મદદથી મતદાર યાદીનું સતત શુદ્ધિકરણ કરવામાં આવે છે. ગેરહાજર, સ્થળાંતરિત, મૃત કે ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરીને સુધારણા કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પાત્ર નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર દરેક ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાય તે સુનિશ્ચિત કરવું એ લોકતંત્ર માટેની શ્રેષ્ઠ સેવા છે.

મતદાનના દિવસે EVM અને VVPAT મશીનોની સુરક્ષા અને વિશ્વસનીયતા વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે મતદાન શરૂ થતાં પહેલાં જ ઉમેદવારોના પોલિંગ એજન્ટોની હાજરીમાં 'મોક પોલ' (નમૂનારૂપ મતદાન) યોજવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સીલ કરવામાં આવે છે. એટલું જ નહીં, ગણતરીના દિવસે ફોર્મ 17C ની વિગતો સાથે મતોની સરખામણી કરીને જ આખરી પરિણામ જાહેર કરાય છે, જે કોઈ પણ પ્રકારની ગરબડની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી દે છે.

આ ઉપરાંત, CEC જ્ઞાનેશ કુમારે "ઇલેક્ટોરલ લિટરસી ક્લબ્સ (ELCs) અને ECINET" પરની પાંચમી પ્રાદેશિક પરિષદમાં ભાગ લઈને યુવા નાગરિકોમાં ચૂંટણી સાક્ષરતા વધારવા માટે આહવાન કર્યું હતું. 1,000 થી વધુ ELC સભ્યો અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં તેમણે ECINET એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને શાળાઓ-કોલેજો દ્વારા લોકશાહી મૂલ્યોની જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે ગૌરવ સાથે નોંધ્યું હતું કે ભારત હાલમાં 35 મુખ્ય લોકશાહી દેશોના સંગઠન 'ઇન્ટરનેશનલ IDEA' ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે આપણી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રણાલીને મળેલું વૈશ્વિક સન્માન છે.

(7:23 PM IST)