તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
SIR વિવાદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં વધારો : ચૂંટણી પંચના નિર્ણયો અને મતાધિકાર યાદીની પ્રક્રિયા સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ
ઈલેક્શન કમિશ્નર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની ૧૪ વખતની વાંધા અરજીઓના અહેવાલ બાદ સર્વોચ્ચ અદાલત અને બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેંચમાં અરજીઓ થઈ : પંચે વિવાદ ફગાવી તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી: મતદાર યાદીની ખાસ ગહન સમીક્ષા (SIR) પ્રક્રિયાને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મતદાર યાદીની આ પ્રક્રિયા અંગે ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં આશરે ૧૪ વખત વાંધા નોંધાવ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા બાદ હવે આ સમગ્ર મામલો સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) સુધી પહોંચ્યો છે.
સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી કમિશ્નરોની વાંધા અરજીઓનો હવાલો આપવામાં આવ્યો છે. ‘ધી ઈન્ડિયન એક્સપ્રેસ’ના ૨૩ સપ્ટેમ્બરના તપાસ અહેવાલ મુજબ, બંને ચૂંટણી કમિશ્નરોએ તેમની અજાણતા લેવાયેલા નિર્ણયો સામે આકરા વાંધા નોંધાવ્યા હતા. જેમાં મતદારોની નોંધણી, નામો હટાવવા કે પુનઃસ્થાપિત કરવા, ફોર્મ-૬ માં ફેરફાર અને મતદાર યાદીના ડેટાના કેન્દ્રીયકરણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હતા.
આ જ દિવસે બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેંચ સમક્ષ પણ એક અલગ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારના ૧૪ વહીવટી નિર્ણયોને પડકારવામાં આવ્યા છે. અરજીકર્તાઓએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે રોકવાની, પ્રક્રિયા દરમિયાન રદ કરાયેલા મતદારોના નામો પુનઃસ્થાપિત કરવાની તેમજ સમગ્ર ગડબડની તપાસ માટે વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એક સ્વતંત્ર જ્યુડિશિયલ કમિટી બનાવવાની માંગ કરી છે.
બીજી તરફ, ચૂંટણી પંચે આંતરિક મતભેદોના અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે SIR સહિતના તમામ નિર્ણયો પંચ દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યા છે. જોકે, વિરોધ પક્ષો અને કાનૂની અરજીઓ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે કાર્યવાહી કરવાની માંગ વધુ તીવ્ર બની રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
