તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
SIR વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો યુપી પ્રવાસ રદ્દ: રાજકીય ગરમાવો વધતા ચૂંટણી પંચે આપવી પડી સ્પષ્ટતા
મેરઠ અને વારાણસીમાં 'જેન-ઝી' યુવા સંવાદ કાર્યક્રમો સ્થગિત કરાતા વિપક્ષ આક્રમક; ઈલેક્શન કમિશને કહ્યું- 'આ માત્ર નિયમિત વહીવટી પ્રક્રિયા'

નવી દિલ્હી, તા.૨૫: મતદાતા યાદી સુધારણા (SIR) ને લઈને દેશભરમાં ઊભા થયેલા ભારે રાજકીય વિવાદ વચ્ચે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારનો ઉત્તર પ્રદેશનો મહત્વપૂર્ણ પ્રવાસ અચાનક રદ્દ થતાં રાજકારણ ગરમાયું છે. તેઓ ૨૫ સપ્ટેમ્બરે મેરઠની સીસીએસયુ (CCSU) ખાતે 'જેન-ઝી' (Gen-Z) યુવાનો સાથે અને ત્યારબાદ ૨૮ સપ્ટેમ્બરે વારાણસીમાં આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ પ્રવાસ રદ્દ થતાં અને વિપક્ષી ગઠબંધન દ્વારા આક્રમક વિરોધ શરૂ કરાતાં આખરે ચૂંટણી પંચે સત્તાવાર રીતે સામે આવીને ખુલાસો કરવો પડ્યો છે.
ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં સફાઈ આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ કાર્યક્રમની તારીખોમાં ફેરફાર કરવો કે તેને મૌકૂફ રાખવો એ એક નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. સ્થળની ઉપલબ્ધતા, ઉચ્ચ અધિકારીઓનું ટાઈમટેબલ તથા કુદરતી પરિબળો જેવા કારણોસર આ નિર્ણય લેવાયો છે. આ પહેલાં પણ હિમાચલ પ્રદેશ, લદાખ અને ઉત્તરાખંડમાં ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના કાર્યક્રમોની તારીખોમાં આ પ્રકારે ફેરફાર કરાયા હતા. પંચે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૫ અને ૨૮ સપ્ટેમ્બરના બંને કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય ૨૧ સપ્ટેમ્બરે જ લેવાઈ ચૂક્યો હતો.
શું છે સમગ્ર SIR વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત એક અખબારી અહેવાલ બાદ થઈ હતી, જેમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR હેઠળ મતદાતા યાદીમાંથી નામો રદ્દ કરવાની પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા પર આ બંને કમિશનરોએ આશરે ૧૪ વખત પોતાના વાંધા નોંધાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલ બહાર આવ્યા બાદ વિપક્ષી ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કામગીરી સામે આકરા પ્રહારો શરૂ કર્યા છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
