તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 'ધ ગવર્નન્સ ચેલેન્જ 2026' લોન્ચ કરી: મહારાષ્ટ્રને 2035 સુધીમાં ઈનોવેશન હબ બનાવવા દેશની ટોચની B-સ્કૂલ્સના યુવાનોને મોકલ્યા નિમંત્રણ
સમાગ્રા અને મહારાષ્ટ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે દેશની ૩૬ પ્રીમિયર બિઝનેસ સ્કૂલ્સ માટે રાજ્ય કક્ષાની ચોથી ગવર્નન્સ સ્પર્ધાનો પ્રારંભ.

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે શાસન ક્ષેત્રે નવીન વિચારો લાવવાના હેતુથી 'ધ ગવર્નન્સ ચેલેન્જ' (TGC) 2026 ની ચોથી આવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. 'સમાગ્રા' અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ દેશની પ્રથમ શાસન-કેન્દ્રિત સ્પર્ધામાં ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલો અને પબ્લિક પોલિસી સંસ્થાઓના તેજસ્વી યુવાનોને ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ તકની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ફડણવીસે લખ્યું કે, "દેશના તેજસ્વી યુવા દિમાગ મહારાષ્ટ્રના ઈનોવેશન ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે એવા બોલ્ડ અને અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો રજૂ કરે કે જે રાજ્યને વૈશ્વિક ઈનોવેશન હબમાં પરિવર્તિત કરી શકે." આ વર્ષની સ્પર્ધામાં સહભાગીઓ સામે મુખ્ય પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે — "મહારાષ્ટ્ર સરકાર ૨૦૩૫ સુધીમાં રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈનોવેશન હબ બનાવવા માટે શું પગલાં લઈ શકે?"
આ સ્પર્ધામાં દેશભરની ૩૬ પ્રીમિયર બિઝનેસ સ્કૂલ્સ અને જાહેર નીતિ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેઓ લાખો નાગરિકોના જીવનને અસર કરતી જટિલ શાસન સમસ્યાઓના ઉકેલ શોધશે. બીજી તરફ, મુખ્યમંત્રીએ તાજેતરમાં નાગપુરની રામદેવબાબા યુનિવર્સિટી ખાતે 'AI સેન્ટર ઓફ કોમ્પિટન્સી'નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજી-સંચાલિત યુગમાં ઉદ્યોગો અને નોકરીદાતાઓ માટે કુશળ અને વિઝનરી કાર્યબળ ખૂબ જ જરૂરી બની ગયું છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
