તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
મુખ્યમંત્રી થલાપતિ વિજયનો ઐતિહાસિક નિર્ણય: તમિલનાડુમાં સરકારી હોસ્પિટલોમાં જન્મતા દરેક બાળકને મળશે ૧ ગ્રામ સોનાની વીંટી, વાર્ષિક ₹૭૫૦ કરોડથી વધુનો ખર્ચ
ચૂંટણીનું મોટું વચન પૂરું કરવા સીએમ વિજયે શરૂ કરી "થમ્મામન થંગા મોથીરામ થિટ્ટમ"; દરેક નવજાત શિશુ માટે તમિલનાડુ સરકાર પોતે બનશે 'મામા'

ચેન્નઈ, : તમિલનાડુના લોકપ્રિય સુપરસ્ટાર અને તાજેતરમાં જ રાજ્યની સત્તા સંભાળનારા નવનિર્વાચિત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (Thalapathy Vijay) એ એક એવી અભૂતપૂર્વ યોજનાની જાહેરાત કરી છે, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કરેલા પોતાના સૌથી મોટા વચનને પૂર્ણ કરવા તરફ મુખ્યમંત્રીએ મજબૂત પગલું ભર્યું છે. તમિલનાડુ સરકાર હવે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જન્મેલા દરેક નવજાત શિશુને ભેટ સ્વરૂપે ૧ ગ્રામ સોનાની વીંટી આપશે. સત્તાવાર અહેવાલો મુજબ, વર્તમાન સોનાના દરોને જોતા આ એક સિંગલ વીંટીની કિંમત આશરે ₹૧૩,૬૦૦ જેટલી થાય છે.
આ અનોખી યોજનાને તમિલ સંસ્કૃતિની પરંપરા મુજબ "થમ્મામન થંગા મોથીરામ થિટ્ટમ" (Thaimaman Thanga Mothiram Thittam) નામ આપવામાં આવ્યું છે. તમિલ પરંપરામાં 'થમ્મામન' એટલે કે 'મામા' દ્વારા બાળકને સોનાની વીંટી આપીને આશીર્વાદ આપવાનો મોટો સાંસ્કૃતિક રિવાજ છે. સરકારી આદેશમાં ગર્વભેર જણાવાયું છે કે, આ યોજના દ્વારા હવે તમિલનાડુ સરકાર પોતે રાજ્યના સરકારી દવાખાનાઓમાં જન્મતા દરેક માસૂમ બાળકના 'મામા' ની ભૂમિકા ભજવશે અને સોનાની વીંટી આપીને તેનું આ દુનિયામાં શાહી સ્વાગત કરશે.
મુખ્યમંત્રીના જન્મદિવસે કાયદો અમલી બનશે, અન્નાદુરાઈની જયંતીએ લોન્ચિંગ
આ યોજનાના સફળ સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે સરકાર એક ખાસ 'સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ' (SPMU) ની સ્થાપના કરવા જઈ રહી છે. સત્તાવાર આદેશ અનુસાર, આ યોજના મુખ્યમંત્રી વિજયના જન્મદિવસ એટલે કે ૨૨ જૂનથી જ અમલી ગણાશે, જ્યારે આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સી.એન. અન્નાદુરાઈની જન્મજયંતિના પવિત્ર અવસરે મુખ્યમંત્રી થલાપતિ વિજય પોતે આ યોજનાનું સત્તાવાર અને ભવ્ય લોન્ચિંગ કરશે. આ કલ્યાણકારી યોજના માટે રાજ્ય સરકારે વાર્ષિક આશરે ₹૭૫૫.૮૩ કરોડનું તોતિંગ બજેટ ફાળવ્યું છે.
સરકારી હોસ્પિટલો પર વધશે ભરોસો, ગરીબ પરિવારોને મોટો આશરો
રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (NFHS-6) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે તમિલનાડુમાં દર વર્ષે આશરે ૭.૮ લાખ બાળકોનો જન્મ થાય છે, જેમાંથી ૯૯.૯ ટકા ડિલિવરી સંસ્થાકીય (હોસ્પિટલોમાં) થાય છે. આ કુલ જન્મોમાંથી લગભગ ૫૩ ટકા એટલે કે ૪.૨ લાખ જેટલી પ્રસૂતિઓ સરકારી હોસ્પિટલોમાં થાય છે. સરકારી ડેટા અનુસાર, સરકારી હોસ્પિટલમાં ડિલિવરીનો સરેરાશ ખર્ચ માત્ર ₹૧,૩૬૪ થાય છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આ ખર્ચ સામાન્ય પરિવારોની કમર તોડી નાખે તેવો એટલે કે ₹૬૩,૪૭૩ જેટલો ઊંચો હોય છે. આવી સ્થિતિમાં સીએમ વિજયની આ સોનાની વીંટી આપવાની યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તરફ ગર્ભવતી મહિલાઓનો પ્રવાહ વધશે.
'થમ્મામન થંગા મોથીરામ થિટ્ટમ' ની મુખ્ય વાતો:
· શાહી ભેટ: સરકારી હોસ્પિટલોમાં જન્મતા દરેક બાળકને અપાશે ૧ ગ્રામ સોનાની વીંટી (કિંમત આશરે ₹૧૩,૬૦૦).
· મામાનો રોલ: તમિલ સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા સરકાર પોતે બાળકના 'મામા' બનીને આપશે આશીર્વાદ.
· વાર્ષિક બજેટ: તમિલનાડુ સરકાર દર વર્ષે આ યોજના પાછળ ₹૭૫૫.૮૩ કરોડનો જંગી ખર્ચ ભોગવશે.
· મહત્વની તારીખો: યોજના સીએમ વિજયના જન્મદિન (૨૨ જૂન) થી જ લાગુ થશે અને ૧૫ સપ્ટેમ્બરે અન્નાદુરાઈ જયંતી પર લૉન્ચ કરાશે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
