<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

‘બાળલગ્ન પર પ્રતિબંધનો કાયદો તમામ ધર્મો પર લાગુ થાય છે'

શરિયત હેઠળ ૧૮થી ઓછી વયની છોકરી સાથે લગ્ન પોક્‍સો એક્‍ટનો ભંગ છેઃ હાઈકોર્ટ

નવી દિલ્‍હી તા.૧૦: અલ્‍હાબાદ હાઈકોર્ટે બાળલગ્નને લઈને એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. હાઈકોર્ટે  સ્‍પષ્ટ કરી દીધું છે કે બાળલગ્ન પર પ્રતિબંધ લગાવતો કાયદો તમામ ધર્મો પર લાગુ થાય છે. શરિયત (મુસ્‍લિમ પર્સનલ લો) હેઠળ ઓછી ઉંમરમાં મુસ્‍લિમ છોકરીઓના લગ્ન કરાવવા એ પોક્‍સો એક્‍ટનું ઉલ્‍લંઘન છે. મુસ્‍લિમ પર્સનલ લો સહિત કોઈપણ પર્સનલ લો, બાળલગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ બાળલગ્ન પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું ઉલ્‍લંઘન કરી શકે નહીં અને પોક્‍સો એક્‍ટને પણ નકારી શકે નહીં.

ઉલ્‍લેખનીય છે કે બાળલગ્ન પ્રતિબંધ કાયદો વર્ષ ૨૦૦૬ થી અમલમાં છે અને તે ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થતા બાળલગ્ન પર પ્રતિબંધ મૂકે છે. જ્‍યારે બીજી તરફ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સ (પોક્‍સો) એક્‍ટ બાળકોને જાતીય હિસા અને શોષણથી બચાવે છે.

અલ્‍હાબાદ હાઈકોર્ટના જાસ્‍ટિસ જે.જે. મુનીર અને જાસ્‍ટિસ અચલ સચદેવની બેન્‍ચે જણાવ્‍યું હતું કે શરીયત, જે છોકરીના લગ્ન માટે ‘પ્‍યુબર્ટી' (યૌવનારંભ) ની ઉંમરને માન્‍ય રાખે છે, તે બાળલગ્ન નિષેધ કાયદા અને પોક્‍સો એક્‍ટની વિરુદ્ધ છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે દેશના દરેક નાગરિક માટે લગ્નની ઉંમર એક સમાન જ છે, પછી ભલે તેમનો ધર્મ કોઈ પણ હોય.

બુલંદશહરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસની એક ટીમ ૧૬ વર્ષની એક મુસ્‍લિમ છોકરીના લગ્ન રોકવા માટે ગઈ હતી. તે સમયે કેટલાક લોકોએ પોલીસની આ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ૧૯ લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ ૧૯ લોકો પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરાવવાની માંગ સાથે હાઈકોર્ટ અરજદારોએ દલીલ કરી હતી કે મુસ્‍લિમો પર લાગુ થતા શરિયા કાયદા મુજબ, એક છોકરી ‘પ્‍યુબર્ટી' એટલે કે સામાન્‍ય રીતે ૧૫ વર્ષની ઉંમર પછી લગ્ન કરવાને લાયક બની જાય છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે બાળલગ્ન પ્રતિબંધ કાયદો-૨૦૦૬ ની પર્સનલ લો પર કોઈ અસર થતી નથી.

જોકે, હાઈકોર્ટે સ્‍પષ્ટ કર્યું કે કોઈ પણ પર્સનલ લો, બાળલગ્ન પર લદાયેલા પ્રતિબંધ કે પોક્‍સો એક્‍ટની કાયદાકીય અસરોને ખતમ કરી શકે નહીં. બેન્‍ચે ઉમેર્યું કે જો ૧૮ વર્ષથી ઓછી ઉંમરે લગ્નની મંજૂરી આપવામાં આવે, તો તે પોક્‍સો એક્‍ટનું ઉલ્‍લંઘન ગણાશે, કારણ કે લગ્ન અને શારીરિક સંબંધો મોટેભાગે એકબીજા સાથે જોડાયેલા છે

(9:46 AM IST)