<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

બાળપણ બન્યું લોહિયાળ: કોટા પછી જયપુરમાં સગીરોએ જ મિત્રના ટુકડા કર્યા : માસૂમોના માનસિક વિકારથી કાંપી ઉઠ્યું રાજસ્થાન!

૧૧-૧૨ વર્ષના બાળકોના હાથ મિત્રોના જ લોહીથી રંગાયા : હિંસક ગેમ્સ, અશ્લીલ ઓનલાઇન કન્ટેન્ટ અને સ્માર્ટફોનની લતે માસૂમોને બનાવ્યા રાક્ષસ

જયપુર:  રાજસ્થાનના કોટા અને જયપુર શહેરમાંથી સામે આવેલા બે અત્યંત ક્રૂર અને હૃદય કંપાવી દેનારા કિસ્સાઓએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. જે ઉંમરે બાળકોના હાથમાં રમકડાં અને પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે ૧૧ થી ૧૬ વર્ષના સગીરો જ જઘન્ય હત્યાકાંડને અંજામ આપી રહ્યા છે. જયપુરના મુહાના વિસ્તારમાં ૧૪ જૂનથી ગુમ થયેલા ૧૧ વર્ષના માસૂમ અજમતનો સડો થયેલો મૃતદેહ ગત ૨૫ જૂને ગટરમાંથી ટુકડા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જ્યારે આ કેસ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે અજમતના જ ત્રણ સગીર મિત્રોએ (જેમાં બેની ઉંમર ૧૨ વર્ષથી ઓછી અને એકની ૧૩ વર્ષ છે) મામૂલી ઝઘડાની અદાવતમાં તેનું માથું અને ધડ અલગ કરીને ક્રૂરતાપૂર્વક તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ભયાનક ઘટનાના ઠીક એક મહિના પહેલા શૈક્ષણિક નગરી કોટામાં પણ આવી જ એક લોહિયાળ દાસ્તાન સામે આવી હતી. ૨૬ મેના રોજ કોટાની રેલ્વે કોલોનીમાં રહેતા એક ૧૦ વર્ષના બાળકની લાશ વિકૃત હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી. તેનું માથું ધડથી અલગ હતું, ચહેરો પથ્થરથી કચડી નાખવામાં આવ્યો હતો અને સિગારેટથી ડામ આપવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે જ્યારે તેના ૧૬ વર્ષના સગીર મિત્રની અટકાયત કરી ત્યારે રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત સામે આવી. આરોપી સગીર વિકૃત પોર્ન ફિલ્મો જોવાનો આદિ હતો. તેણે માસૂમ બાળક સાથે સનકી વર્તન કરવાનો પ્રયાસ કર્યો અને બાળકે વિરોધ કરતાં જ તેને પથ્થરો મારી મારી નાખ્યો. આટલું જ નહીં, હત્યા બાદ પણ શવ સાથે બર્બરતા ગુજારી તેનો ચહેરો સળગાવવાનો પ્રયાસ કર્યો અને ઘરે જઈને આરામથી જમીને સૂઈ ગયો, જેના ચહેરા પર પસ્તાવાનો એક પણ ભાવ નહોતો.

આ સંવેદનશીલ અને ચિંતાજનક ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં રાજસ્થાન યુનિવર્સિટીના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને નિવૃત્ત પ્રોફેસર ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે કે આ આધુનિક સામાજિક અને રાજકીય વ્યવસ્થાની ઘોર બેદરકારીનું પરિણામ છે. આજે સ્માર્ટફોન અને અનિયંત્રિત ઇન્ટરનેટના કારણે બાળકોનું માસૂમ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર પીરસાતી નગ્ન હિંસા, જાતીય ગુનાઓ અને વેબ સિરીઝની આકર્ષક રજૂઆત સીધી બાળકોના કોમળ મગજ પર આક્રમક અસર કરી રહી છે. મુક્ત બજાર વ્યવસ્થામાં વાલીઓની ઘટતી દેખરેખને કારણે બાળકો સમય પહેલા જ ગુનાહિત માનસિકતા તરફ ધકેલાઈને પુખ્ત બની રહ્યા છે, જે ભવિષ્યના સમાજ માટે એક અત્યંત ખતરનાક ઘંટડી સમાન છે.

(6:37 PM IST)