<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિલ્હીની ઝેરી હવામાં બાળકોનું ભવિષ્ય ધૂંધળું : ૪૩.૫% માસૂમોના ફેફસાંની ક્ષમતા ઘટી હોવાનો CPCBનો ચોંકાવનારો ખુલાસો

માત્ર કાયદા કે પોલીસથી પ્રદૂષણ નહીં અટકે: સુપ્રીમ કોર્ટની ગંભીર ચિંતા; ગ્રીન ફટાકડાની આડમાં બજારમાં કાળો કારોબાર અને સમગ્ર વર્ષ દરમિયાન ધુમાડાનો ઝેર ઘોળતા વાહનો તેમજ ઉદ્યોગો સામે જન અભિયાન ચલાવવાની જરૂર

નવી દિલ્હી:  દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ભયાનક અસર હવે બાળકોના નાજુક સ્વાસ્થ્ય પર ખુલ્લેઆમ દેખાઈ રહી છે, જે આગામી પેઢી માટે અત્યંત ચિંતાજનક સંકેત છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીના ૪૩.૫% શાળાના બાળકોના ફેફસાંની ક્ષમતા સામાન્ય કરતાં ઓછી થઈ ગઈ છે. દિલ્હી બહારના વિસ્તારોના બાળકોમાં આ આંકડો ૨૫.૭% છે, જે દર્શાવે છે કે રાજધાનીની ઝેરી હવા બાળકો શ્વાસમાં લેવા મજબૂર બન્યા છે. ૬ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર કોર્ટના આદેશો કે પોલીસ તૈનાત કરવાથી પ્રદૂષણ પર લગામ નહીં લાગે, પરંતુ લોકોએ પોતે જાગૃત થઈને એક મોટું જન અભિયાન ઉપાડવું પડશે.

CPCBના વિગતવાર અભ્યાસ મુજબ, ૯ થી ૧૭ વર્ષના બાળકોમાં શ્વાસનળી અને ફેફસાં સંબંધિત ગંભીર સમસ્યાઓ જોવા મળી છે, જેમાં છોકરાઓ (૩૯.૮%) ની સરખામણીએ છોકરીઓ (૫૧%) ની સ્થિતિ વધુ કફોડી છે. વધુમાં, દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ રોક કે ગ્રીન ફટાકડાના નિયમો હોવા છતાં તેનું પાલન કરાવવું વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની ગયું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે કેટલાક વેપારીઓ ગ્રીન ફટાકડાના બોક્સ બતાવીને અંદર ચોરી-છૂપીથી સામાન્ય પ્રદૂષિત ફટાકડા વેચી રહ્યા છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે માત્ર દિવાળી વખતે જાગીને ફટાકડા પર રોક લગાવવાથી વાયુ ગુણવત્તા (AQI) માં મોટો સુધારો શક્ય નથી.

રાજધાનીમાં વાયુ પ્રદૂષણ માટે માત્ર તહેવારના ફટાકડા જ જવાબદાર નથી, પરંતુ વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામની ધૂળ, કચરો સળગાવવો અને પરાળીનો ધુમાડો મુખ્ય કારણો છે. શિયાળામાં ધીમી હવા અને ભેજને કારણે આ પ્રદૂષકો જમીન આસપાસ જ જમા રહે છે. સીએક્યુએમ (CAQM) અને કેન્દ્ર સરકારના ડેટા દર્શાવે છે કે ઉનાળામાં ધૂળ અને શિયાળામાં સેકન્ડરી પાર્ટિકલ્સ હવાને ઝેરી બનાવે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે તહેવારો પૂરા થયા પછી પણ સ્થાનિક પ્રોટોકોલ, પોલીસ સંકલન અને મોનિટરિંગ સતત ચાલુ રાખવું પડશે, જેથી રાજધાનીના બાળકોને ઝેરી હવાના ભરડામાંથી ઉગારી શકાય.

(7:41 PM IST)