<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બાળકોની જાસૂસી કે સુરક્ષા? ડિજિટલ ટ્રેકિંગથી બાળકોના આત્મવિશ્વાસ પર પડી રહ્યું છે નકારાત્મક ગ્રહણ!

વધુ પડતી દેખરેખ બાળકોને બનાવી રહી છે નિર્ણયશક્તિહીન અને ડરપોક; શું માતાપિતા તેમની ગોપનીયતા અને સુરક્ષા વચ્ચેનો તફાવત ભૂલી રહ્યા છે?

નવી દિલ્હી : ડિજિટલ યુગમાં ટેકનોલોજીએ ભલે આપણને સુવિધાઓ આપી હોય, પરંતુ માતાપિતા માટે તે હવે 'કંટ્રોલ ફ્રીક' બનવાનું સાધન બની ગઈ છે. બાળકોની સુરક્ષાના નામે તેમના લોકેશનને ૨૪ કલાક ટ્રેક કરવું કે તેમની ડિજિટલ ગતિવિધિઓ પર નજર રાખવી, તે માતાપિતા માટે એક મોટી ભૂલ સાબિત થઈ રહી છે. તાજેતરના એક મહત્વપૂર્ણ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે આ પ્રકારની સતત દેખરેખ બાળકોને સુરક્ષિત બનાવવાને બદલે તેમને નિર્ણય લેવાની ક્ષમતાથી વંચિત રાખી રહી છે અને તેમને માનસિક રીતે ડરપોક બનાવી રહી છે.
માતાપિતાની અતિ-ચિંતા બાળકોના વિકાસમાં અવરોધ
મિશિગન હેલ્થ સીએસ મોટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં માતાપિતા તેમના પુખ્ત થઈ ગયેલા બાળકો પર સતત નજર રાખી રહ્યા છે. માતાપિતાને આ પ્રક્રિયા સલામતીનું સાધન લાગે છે, પરંતુ વાસ્તવમાં તે તેમની પોતાની ચિંતામાં વધારો કરી રહી છે. સૌથી ગંભીર અસર બાળકો પર જોવા મળી રહી છે, જેઓ સતત 'મોનિટરિંગ' હેઠળ હોવાને કારણે નવા જોખમો લેતા કે સ્વતંત્ર નિર્ણયો લેતા ડરે છે.
શું ગોપનીયતાનું સન્માન કરવું જરૂરી છે?
નિષ્ણાતોના મતે, જ્યારે માતાપિતા તેમના બાળકોની ગોપનીયતામાં દખલ કરે છે, ત્યારે બાળકોનો આત્મવિશ્વાસ ડગી જાય છે. સતત એવું લાગવું કે કોઈ આપણને જોઈ રહ્યું છે, તે બાળકને સહજ બનવા દેતું નથી. આ પ્રકારનું ડિજિટલ સર્વેલન્સ બાળકોને જવાબદાર બનાવવાને બદલે તેમની વચ્ચે અને માતાપિતા વચ્ચેના વિશ્વાસને પણ તોડી નાખે છે. માતાપિતાએ સમજવું પડશે કે સુરક્ષા અને દેખરેખ વચ્ચે પાતળી ભેદરેખા છે, અને આ રેખાને ઓળંગવી તેમના બાળકના ઉજ્જવળ અને આત્મનિર્ભર ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ સર્વેક્ષણ એક ચેતવણી છે કે બાળકોને ઉછેરતી વખતે ટેકનોલોજીનો ઉપયોગ તેમના ભરોસાને મજબૂત કરવા માટે થવો જોઈએ, તેમની સ્વતંત્રતાને નિયંત્રિત કરવા માટે નહીં.

(10:14 PM IST)