તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સોનાની ખરીદીમાં ચીને તોડ્યા તમામ રેકોર્ડ: ડ્રેગનના આ તોફાની દાવથી ભારતીય રોકાણકારોના વધ્યા ધબકારા!
મે મહિનામાં ૧૬૩ ટન સોનાની રેકોર્ડબ્રેક આયાત; ઘરેણાં છોડીને લોકો ગોલ્ડ બાર તરફ વળ્યા, સેન્ટ્રલ બેંકે પણ ૧૯ મહિનાથી શરૂ રાખ્યો ખરીદીનો મહાયજ્ઞ

નવી દિલ્હી, તા.૦૧: વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં સતત ઉતાર-ચઢાવ વચ્ચે, દુનિયાના સૌથી મોટા ગોલ્ડ કન્ઝ્યુમર ચીને સોનાની ખરીદીમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. મે ૨૦૨૬માં ચીને અધધ ૧૬૩ ટન સોનાની આયાત કરી છે, જે છેલ્લા બે વર્ષ કરતાં પણ વધુ સમયગાળામાં કોઈ એક મહિનામાં થયેલી સૌથી મોટી આયાત છે. આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીના પ્રથમ પાંચ મહિનામાં જ ચીને કુલ ૬૯૨ ટન સોનું પોતાના દેશમાં મંગાવી લીધું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ આશરે ૭૬ ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે.
દાગીના છોડીને 'ગોલ્ડ બાર' પર મંડાણી નજર
બજારના નિષ્ણાતોના મતે ચીનમાં હવે લોકો પરંપરાગત સોનાના ઘરેણાં ખરીદવાને બદલે શુદ્ધ સોનાના બિસ્કિટ (બાર) અને સોનાના સિક્કાઓમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વધુમાં, જૂન મહિનાથી અમલમાં આવનારા નવા આયાત લાયસન્સિંગ નિયમોની કડકાઈથી બચવા માટે ચીનની અગ્રણી બેંકોએ પણ પોતાના જૂના ક્વોટાનો પૂરેપૂરો ઉપયોગ કરીને મે મહિનામાં જંગી આયાત કરી લીધી હતી, જે આ અચાનક આવેલા ઉછાળાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
ડ્રેગનની સેન્ટ્રલ બેંક પણ મેદાનમાં
માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ ચીનની સેન્ટ્રલ બેંક 'પીપલ્સ બેંક ઓફ ચાઇના' (PBOC) પણ સોનાના ભંડાર ભરવામાં આક્રમક મૂડમાં છે. બેંકે સતત ૧૯મા મહિનામાં સોનાની ખરીદી ચાલુ રાખીને મે મહિનામાં પોતાના ખજાનામાં વધુ ૧૦ ટન સોનું ઉમેર્યું છે, જેના કારણે ચીનનો કુલ સત્તાવાર સોનાનો ભંડાર ૨,૩૩૧ ટન પર પહોંચી ગયો છે. મજબૂત નિકાસને લીધે ચીનનું વિદેશી હૂંડિયામણ ભંડાર પણ વધીને ૩.૪૪ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે, જે સોનાની આ આંધળી ખરીદીને પૂરતું પીઠબળ પૂરું પાડે છે.
શું ભારતીય રોકાણકારોના ખિસ્સા પર પડશે અસર?
ચીનમાં થઈ રહેલી સોનાની આ અંધાધૂંધ ખરીદી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવોને આસમાને પહોંચાડી શકે છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા એશિયન દેશો હવે સોનાના વેપારને મજબૂત કરવા માટે નવા ગોલ્ડ ક્લિયરિંગ સેન્ટર્સ વિકસાવી રહ્યા છે. જો ચીનની માંગ આ જ રીતે મજબૂત રહી, તો વૈશ્વિક સ્તરે સોનાના ભાવો ઘટવાની સંભાવના નહિવત થઈ જશે. તેની સીધી અસર ભારતના સ્થાનિક બજાર પર પડશે, જ્યાં આગામી તહેવારો અને લગ્નની સીઝનમાં સોનું વધુ મોંઘું થઈ શકે છે. આ જ કારણે ભારતીય રોકાણકારો અને ઝવેરીઓ અત્યારે ડ્રેગનની આ સોનાની ચાલ પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
