હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીને એઆઇ આધારિત બ્રેઈન ઈમ્પ્લાન્ટ ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરી
ટ્રાયલમાંથી વાસ્તવિક ઉપયોગ તરફ દોટ મૂકી: લકવાગ્રસ્ત દર્દીઓને મળશે નવજીવન: ચીની સ્ટાર્ટઅપ કંપનીઓ મગજ અને કમ્પ્યુટર વચ્ચે સંપર્ક કરાવતી ટેકનોલોજીને ઝડપથી વિકસાવી રહી છે જેથી લોકો ચાલી અને બોલી શકે

શાંઘાઈ: ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બ્રેઈન કમ્પ્યુટર ઇન્ટરફેસ એટલે કે બીસીઆઇ ડિવાઇસનું નિર્માણ અને તેનો વાસ્તવિક ઉપયોગ અત્યંત ઝડપી બન્યો છે. આ આધુનિક ટેકનોલોજી લકવાગ્રસ્ત અને ચેતાતંત્રની બીમારીઓ ધરાવતા લોકોને હલનચલન કરવા, બોલવા અને અન્ય ઉપકરણોને માત્ર વિચારોથી નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. ચીન સરકારે આગામી થોડા વર્ષોમાં આ ક્ષેત્રે વૈશ્વિક નેતા બનવાનું લક્ષ્ય રાખ્યું છે અને કેટલાક ઉપકરણો ટૂંક સમયમાં બજારમાં સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ થશે તેમ નેચર મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યું છે.
ચીન અને અમેરિકાની કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બ્રેઈન કમ્પ્યુટર ઇન્ટરફેસના વિકાસની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. છેલ્લા એક દાયકાથી લકવાગ્રસ્ત લોકો માટે વપરાતી આ ટેકનોલોજીમાં હવે લાર્જ લેંગ્વેજ મોડલ ઉમેરવામાં આવ્યા છે.
ચીનની હાર્બિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક લી હૈફેંગના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનોલોજીના કારણે મગજની ગતિવિધિઓને પરંપરાગત સિગ્નલ પ્રોસેસિંગ પદ્ધતિઓ કરતાં ઘણી વધુ સચોટ રીતે ડીકોડ કરી શકાય છે.
શાંઘાઈ સ્થિત ન્યુરોએક્સિસ નામની કંપનીએ તેના એઆઇ સંચાલિત બ્રેઈન ઈમ્પ્લાન્ટના ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક શરૂ કરી દીધા છે. ગત ઓક્ટોબર મહિનામાં કરોડરજ્જુની ગંભીર ઈજા ધરાવતા ૨૮ વર્ષના એક યુવાન પર આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ યુવાન માત્ર પોતાના વિચારોની મદદથી કમ્પ્યુટરનું કર્સર હલાવીને એક એપ્લિકેશન દ્વારા વિવિધ ઉપકરણોને ચાલુ અને બંધ કરી શક્યો હતો. આ ઈમ્પ્લાન્ટ ખોપરીની ઉપર લગાવવામાં આવે છે અને તેના સેન્સર મગજના બહારના પડ પર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ તેને વાયર મારફતે છાતીમાં મૂકવામાં આવેલા ડેટા ટ્રાન્સમીટર અને બેટરી સાથે જોડવામાં આવે છે.
આ ઉપરાંત, ન્યુરોએક્સિસે એક એવું લાર્જ લેંગ્વેજ મોડલ પણ વિકસાવ્યું છે જે ચીની ભાષા મેન્ડરિનને એક મિનિટમાં ૩૦૦ અક્ષરોની જંગી ઝડપે રીઅલ ટાઇમમાં ડીકોડ કરી શકે છે. કંપનીના સહસ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક ટાઇગર તાઓએ જણાવ્યું કે આ ઝડપ સામાન્ય ચીની વ્યક્તિની બોલવાની સરેરાશ ઝડપ એટલે કે ૨૨૦ અક્ષર પ્રતિ મિનિટ કરતાં પણ ઘણી વધુ છે. આ એઆઇ મોડલની મદદથી વાઈની બીમારી ધરાવતી ૩૫ વર્ષની એક મહિલા માટે શબ્દો અને વાક્યો સફળતાપૂર્વક જનરેટ કરવામાં આવ્યા હતા.
ચીન સરકાર બ્રેઈન કમ્પ્યુટર ઇન્ટરફેસ ક્ષેત્રે ૨૦૨૭ સુધીમાં મોટી ટેકનિકલ સિદ્ધિઓ હાંસલ કરવા અને આ દાયકાના અંત સુધીમાં બે કે ત્રણ આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ઊભી કરવા કટિબદ્ધ છે.
ગયા માર્ચ મહિનામાં જ ચીને વિશ્વના સૌપ્રથમ કોમર્શિયલ બ્રેઈન ઈમ્પ્લાન્ટને ઔપચારિક મંજૂરી આપી દીધી હતી. ડેટા પ્રાઇવસી અંગેની વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે ૨૦૨૪ માં જ નૈતિક માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં દર્દીઓની લેખિત સંમતિ અને નૈતિક મૂલ્યાંકન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીના માહિતી વૈજ્ઞાનિક મેઇસેન સનના મતે, ચીનના નાગરિકો કંપનીઓ સાથે ડેટા શેર કરવા અને નવી ટેકનોલોજીના પ્રયોગો માટે વધુ હકારાત્મક છે. ડેટાની આ સરળ ઉપલબ્ધતાને કારણે કંપનીઓ તેમની ટેકનોલોજી ઝડપથી સુધારી રહી છે, જે આખરે લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
