News of Tuesday, 21st April 2026
ઈરાની જહાજમાં મિસાઈલ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સામગ્રી ચીને આપેલી ભેટ હતી :ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
ચીને કહ્યું - ‘જે જહાજ જપ્ત કરાયું છે, તેના પર વિદેશી ધ્વજ છે અને તેની સાથે ચીનને કોઈ લેવા-દેવા નથી. ચીન તથ્યહીન દાવાઓનો વિરોધ કરે છે

અમેરિકાની સેનાએ ઓમાન સાગરમાં મિસાઈલ કેમિકલ ભરેલું ઈરાની જહાજ જપ્ત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો ચીને પણ આક્ષેપોનો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈરાની જહાજમાં મિસાઈલ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સામગ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને અમેરિકા અને ચીન વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મિસાઈલ કેમિકલ મામલે પ્રતિક્રિાય આપીને ચીન પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘અમે એક જહાજ પકડ્યું છે, તેમાં ખતરનાક ચીજો હતી, કદાચ તે ચીને આપેલી ભેટ હતી.’ જોકે તેમણે એવું પણ કહ્યું કે, તેમના અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે સારા સંબંધે, પરંતુ ‘યુદ્ધમાં આવું થાય છે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ટ્રમ્પના આક્ષેપોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘જે જહાજ જપ્ત કરાયું છે, તેના પર વિદેશી ધ્વજ છે અને તેની સાથે ચીનને કોઈ લેવા-દેવા નથી. ચીન તથ્યહીન દાવાઓનો વિરોધ કરે છે અને આ મામલે અમારું નામ જોડવું સંપૂર્ણ ખોટું છે.’
અમેરિકાના પૂર્વ સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, આ જહાજ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું. આ ઉપરાંત તેમણે જહાજમાં મિસાઈલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ લદાયેલું હોવાનો દાવો કર્યો હતો. હેલીએ આક્ષેપ કર્યો છે કે, ચીન ઈરાન સરકારને મજબૂત કરવા માટે મદદ કરી રહ્યું છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
