<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ભારતીય સેનાની આ સમયસરની મદદને ચીન ક્યારેય નહીં ભૂલે: ચીની સૈન્ય અધિકારીએ ભારતીય સેનાનો માન્યો આભાર

કેરળના તટ નજીક એક કાર્ગો જહાજમાં ભીષણ આગ અને વિસ્ફોટ બાદ ભારતીય સેનાએ ચીનના ૧૨ નાવિકોને બચાવ્યા હતા

નવી દિલ્હી: ભારતમાં ચીનના નવા ડિફેન્સ અટેચી રિયર એડમિરલ યુ જિયાને ભારતીય સેનાના મુક્તકંઠે વખાણ કરતા આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષે જૂન મહિનામાં કેરળના તટ નજીક એક કાર્ગો જહાજમાં ભીષણ આગ અને વિસ્ફોટ બાદ ભારતીય સેનાએ ચીનના ૧૨ નાવિકોને સુરક્ષિત બચાવી લીધા હતા.

ચીની પિપલ્સ લિબરેશન આર્મી (PLA) ના 99મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા રિયર એડમિરલ યુ જિયાને આ નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભારત અને ચીન બંને મહત્વપૂર્ણ પાડોશી દેશો છે અને હાલમાં વિકાસના એક અત્યંત મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

પોતાના સંબોધનમાં ડિફેન્સ અટેચીએ બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધો પર ભાર મૂક્યો હતો:

"અમને ખુશી છે કે બંને દેશોના ટોચના નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ભારત-ચીન સંબંધો ફરીથી સુધારા અને વિકાસના સાચા માર્ગે આગળ વધી રહ્યા છે. ભારતીય અને ચીની સેનાઓએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચીન હંમેશાથી માને છે કે ભારત અને ચીન વચ્ચેના સામાજિક અને આર્થિક હિતો, બંને દેશો વચ્ચેના સરહદી કે રાજકીય મતભેદો કરતાં વધુ મોટા અને મહત્વપૂર્ણ છે.

બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા પર ભાર મૂકતા રિયર એડમિરલ યુ જિયાને કહ્યું કે: ચીન ભારત સાથે રાજદ્વારી અને સૈન્ય સ્તરે  સતત સંવાદ અને વાટાઘાટો ચાલુ રાખવા માંગે છે.

સતત ચર્ચા દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવો, સૈન્ય સહયોગ મજબૂત કરવો અને બંને દેશોના નાગરિકોના હિતમાં સાથે મળીને કામ કરવું એ મુખ્ય લક્ષ્‍ય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે પણ અનેક તબક્કાની બેઠકો યોજાઈ છે. નવી દિલ્હી અને બીજિંગ વચ્ચેના સંબંધોને ધીમે-ધીમે સામાન્ય બનાવવા માટે રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ ચાલુ છે.

(1:24 PM IST)