<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ચીનની ઘૃણાસ્પદ કરતૂતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હોબાળો: સરકારી મીડિયાના વીડિયોમાં ફિલિપાઇન્સના લોકોને 'વાંદરા' તરીકે દર્શાવતા ભડક્યું મનીલા, લીધો કડક વાંધો!

દક્ષિણ ચીન સમુદ્ર (South China Sea) વિવાદ વચ્ચે ચીને તમામ મર્યાદાઓ વટાવી; અમાનવીય અને ભારે જાતિવાદી વીડિયો તાત્કાલિક ડિલીટ કરવા ફિલિપાઇન્સનું અલ્ટીમેટમ

મનીલા : દક્ષિણ ચીન સમુદ્ર પર વર્ચસ્વ જમાવવા માટે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હવે ચીન અને ફિલિપાઇન્સ વચ્ચેનો વિવાદ અત્યંત વરવા વળાંક પર પહોંચી ગયો છે. ચીનના સરકારી માલિકીના પ્રખ્યાત મીડિયા હાઉસ 'ચાઇના ડેઇલી' (China Daily) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક એનિમેટેડ સંપાદકીય વીડિયોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો રાજદ્વારી હોબાળો મચી ગયો છે. આ વીડિયોમાં ફિલિપાઇન્સના નાગરિકોને અત્યંત અપમાનજનક અને જાતિવાદી (Racist) રીતે 'વાંદરા' તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. ફિલિપાઇન્સ સરકારે આ કરતૂતને ગંભીરતાથી લઈને ચીન સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે અને આ ભડકાવનારી સામગ્રીને ઇન્ટરનેટ પરથી તાત્કાલિક હટાવી દેવાની કડક માંગ કરી છે.

જાણો, શું દર્શાવવામાં આવ્યું છે આ વિવાદિત એનિમેટેડ વીડિયોમાં?

૧૦ જુલાઈના રોજ 'ચાઇના ડેઇલી'ના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલા આ એનિમેટેડ વીડિયોની પાછળ ચીનની એક ગંદી ચાલ છુપાયેલી છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૧૬માં હેગ (The Hague) ની આંતરરાષ્ટ્રીય અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપીને દક્ષિણ ચીન સમુદ્ર પરના ચીનના પાયાવિહોણા દાવાઓને ફગાવી દીધા હતા અને ફિલિપાઇન્સના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ચીન આ ચુકાદાને સ્વીકારવા તૈયાર નથી.

આ વિવાદિત એનિમેશનમાં, ફિલિપાઇન્સના પરંપરાગત શર્ટ, ગ્રામીણ ટોપી અને ફાટેલા ટ્રાઉઝર પહેરેલો એક વાંદરો બતાવવામાં આવ્યો છે, જેમના હાથમાં "સાઉથ ચાઇના સી આર્બિટ્રેશન એવોર્ડ" (૨૦૧૬નો ચુકાદો) લખેલું કાગળ છે. ત્યારબાદ, "USA" અને "JAPAN" લખેલા બે મોટા હાથ તે વાંદરાને દરિયામાં ફેંકી દે છે, જ્યાં ચીની કોસ્ટ ગાર્ડનું જહાજ તેના પર વોટર કેનન (પાણીની તોપ) થી જોરદાર પ્રહાર કરે છે. આ વીડિયોના કેપ્શનમાં એવો દાવો કરાયો છે કે ફિલિપાઇન્સના નેતાઓ અમેરિકા અને જાપાન જેવા દેશોની કઠપૂતળી બનીને ચીન સામે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.

"આ જવાબદાર દેશોનું લક્ષણ નથી": મનીલાનો આકરો પ્રહાર

આ ઘૃણાસ્પદ કાર્ટૂન સામે આવતા જ ફિલિપાઇન્સનું વિદેશ મંત્રાલય (DFA) લાલચોળ થઈ ગયું છે. ફિલિપાઇન્સના વિદેશી બાબતોના અંડરસેક્રેટરી લીઓ હેરેરા-લિમે બેઇજિંગ સમક્ષ આકરો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, "ચીને કાનૂની અને રાજકીય વિવાદોની આડમાં ફિલિપાઇન્સના લોકોનું જે અપમાનજનક, અમાનવીય અને જાતિવાદી ચિત્રણ કર્યું છે તે કોઈપણ સંસ્કારી સમાજમાં ચલાવી શકાય નહીં. જવાબદાર દેશોના જાહેર પ્રવચનમાં આવી કનિષ્ઠ કક્ષાની હરકતોને કોઈ સ્થાન નથી."

ચીનની રાજધાની બેઇજિંગમાં આવેલા ફિલિપાઇન્સના દૂતાવાસે પણ ચાઇના ડેઇલીના ચીફ એડિટરને સત્તાવાર પત્ર લખીને આ વીડિયો તમામ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક ડિલીટ કરવા ચેતવણી આપી છે.

ચીને હાથ અધ્ધર કર્યા, પણ તણાવ યથાવત

આ આંતરરાષ્ટ્રીય વિવાદ પર સફાળા જાગેલા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ વીડિયો ચીન સરકારની સત્તાવાર સ્થિતિ રજૂ કરતો નથી અને મારી પાસે તેના પર કોઈ ટિપ્પણી નથી." જો કે, તેમણે રાગ આલાપતા ફરીથી ઉમેર્યું કે ૨૦૧૬નો ચુકાદો ગેરકાયદેસર અને રદબાતલ છે.

બીજી તરફ, ૧૨ જુલાઈએ ફિલિપાઇન્સે આ ઐતિહાસિક ચુકાદાની ૧૦મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી હતી, જેને અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન અને અન્ય એશિયન દેશોનું મજબૂત સમર્થન પ્રાપ્ત છે. હાલમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન, ફિલિપાઇન્સ અને વિયેતનામના નૌકાદળ વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યું છે, કારણ કે આ સમુદ્ર વિશ્વના સૌથી વ્યૂહાત્મક અને વેપારી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જળમાર્ગોમાંનો એક છે જેના પર મલેશિયા, બ્રુનેઈ અને તાઇવાન પણ પોતાનો દાવો કરે છે.

(6:32 PM IST)