<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ચીનનો નવો બ્લેકમેલ પ્લાન ફ્લોપ: ટનલ બોરિંગ મશીનો પર પ્રતિબંધ મુકશે તો ભારત પોતે જ મશીનો બનાવશે : પીયૂષ ગોયલનો સિંહગર્જના!

રેર-અર્થ ધાતુઓની દાદાગીરીનો ભારતે શોધી કાઢ્યો તોડ : વિદેશી પ્રતિબંધો વચ્ચે ભારતીય સ્ટાર્ટઅપ્સે દુલર્ભ ધાતુઓ વિના જ શક્તિશાળી ઈલેક્ટ્રિક મોટર્સનું ઉત્પાદન કરી ચીનને આપ્યો જોરદાર ઝાટકો

નવી દિલ્હી :  ભારતના માળખાકીય વિકાસ અને પર્વતો-ભૂગર્ભમાં ચાલતા મેટ્રો અને હાઈવે પ્રોજેક્ટ્સને અટકાવવા માટે ચીન દ્વારા ખેલવામાં આવી રહેલી ચાલ સામે ભારતે અત્યંત સખત અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ચીન આવનારી 18 નવેમ્બરથી ટનલ-બોરિંગ મશીનો (TBM) ની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ચીનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ચીન આ મશીનો પૂરા પાડવાનું બંધ કરશે, તો ભારત હવે અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે દેશમાં જ તેનું ઉત્પાદન (મેડ ઇન ઇન્ડિયા) શરૂ કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત પોતાની ટેકનોલોજીકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે કોઈના દબાણ સામે ઝૂકશે નહીં.

ચીન વૈશ્વિક સ્તરે દુર્લભ પૃથ્વી ધાતુઓ (Rare-Earth Elements) ના સપ્લાય પર પોતાનો એકાધિકાર જાળવીને વિશ્વના દેશો પર દબાણ બનાવવાની નીતિ અપનાવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને સંરક્ષણ સાધનોમાં વપરાતી આ ધાતુઓના સપ્લાય પર ચીને જ્યારે અંકુશ લાદવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજીને તેમને એક મોટો પડકાર આપ્યો હતો. ભારતીય ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સે આ પડકારને ઉપાડી લઈને ચાઇનીઝ રેર-અર્થ ધાતુઓનો ઉપયોગ કર્યા વિના જ સમાન ક્ષમતા અને ગુણવત્તા ધરાવતી સુપર-એફિશિયન્ટ મોટર્સ વિકસાવવામાં સફળતા મેળવી છે.

રાજદ્વારી સંતુલન જાળવતા પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈ દેશ સાથે સામે ચાલીને સંબંધો બગાડવા નથી માંગતું, પરંતુ ભારત હવે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સપ્લાય બંધ કરવાની ધમકીઓ કે બ્લેકમેલિંગનો ભોગ બનશે નહીં. જો ચીન તરફથી વ્યાપારી અવરોધો ઊભા નહીં કરાય તો દ્વિપક્ષીય સંબંધો સામાન્ય રહેશે, પરંતુ જો વિદેશી પ્રતિબંધો લાદવામાં આવશે તો તે ભારતીય માળખાકીય વિકાસને અટકાવવાને બદલે દેશમાં એક નવી અને સ્વદેશી ઉત્પાદન ઈકોસિસ્ટમને જન્મ આપશે. ચીનના "ના" એ ભારતીય સ્ટાર્ટઅપ્સ અને હેવી-ડ્યુટી મશીનરી ઉદ્યોગ માટે હવે આત્મનિર્ભર બનવાનું એક નવું અને વિશાળ બજાર ખોલી આપ્યું છે.

(6:50 PM IST)