News of Saturday, 28th November 2026
ચીનની રેકોર્ડબ્રેક સોનાની ખરીદી: વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં નવા વળાંક અને ડોલર નિર્ભરતા પર ચર્ચા
જાન્યુઆરી-ઓક્ટોબર 2026માં 209 અબજ ડોલરની સોનાની આયાત; સેન્ટ્રલ બેંકનો ભંડાર 2,435 ટન થયો અને ગોલ્ડ ETFમાં પણ વધારો

બીજિંગ : અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનની સોનાની ખરીદીમાં થયેલા રેકોર્ડબ્રેક વધારાએ વૈશ્વિક નાણાકીય બજારમાં નવી ચર્ચા જગાવી છે, જેમાં જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન ચીનની બિન-નાણાકીય સોનાની આયાત 209 અબજ ડોલર સુધી પહોંચી છે, જે વર્ષ 2025ના સમગ્ર સમયગાળાની 96.5 અબજ ડોલરની આયાત કરતાં બમણાથી પણ વધુ છે.
કસ્ટમ ડેટા અને અહેવાલો મુજબ 2026ના પ્રથમ દસ મહિનામાં દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો આશરે 8 ટકા રહ્યો હતો, જ્યારે ઓક્ટોબરમાં સોનાની આયાત વાર્ષિક ધોરણે 174 ટકા વધીને 155.9 ટન અને મૂલ્ય 184 ટકા વધીને 20.7 અબજ ડોલર નોંધાયું હતું, જેનાથી સોનું મેમરી ચિપ્સ અને ક્રૂડ ઓઇલ બાદ ત્રીજી સૌથી મોટી આયાત શ્રેણી બન્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઓક્ટોબર 2026ના અહેવાલ અનુસાર, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBoC)એ ઓક્ટોબરમાં આશરે 26 ટન સોનું ખરીદ્યું હતું, જે ઓક્ટોબર 2023 પછીની સૌથી મોટી માસિક ખરીદી છે અને સતત 24મા મહિને ખરીદી ચાલુ રહેતાં ચીનનો સત્તાવાર સોનાનો ભંડાર વધીને 2,435 ટન થયો છે, જે વિદેશી હૂંડિયામણના કુલ ભંડારનો આશરે 8.1 ટકા હિસ્સો છે, ભલે ઓક્ટોબરમાં સોનાના ભાવમાં 6.3 ટકાનો ઘટાડો નોંધાયો હોય.
ડોલર પરની નિર્ભરતા ઘટાડવાની વ્યૂહરચના અને સંપત્તિમાં વૈવિધ્ય લાવવાના ભાગરૂપે આ ખરીદી જોવાઈ રહી છે, જ્યારે સામાન્ય રોકાણકારોમાં પણ રસ વધતાં ઓક્ટોબરમાં ચીનના ગોલ્ડ ETFમાં 6.3 ટન (આશરે 784 મિલિયન ડોલર) સોનું ઉમેરાઈને કુલ હોલ્ડિંગ રેકોર્ડ 310 ટન થયું છે, જોકે સમગ્ર આયાતમાં ખાનગી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને વ્યાપારી સંસ્થાઓની માંગનો પણ સમાવેશ થાય છે.
વૈશ્વિક સ્તરે પણ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં વિશ્વની સેન્ટ્રલ બેંકોએ કુલ 321.2 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી હતી, જે બીજા ક્વાર્ટરના 296.3 ટન અને પ્રથમ ક્વાર્ટરના 57.7 ટન કરતાં વધુ છે અને 2024ના ચોથા ક્વાર્ટર પછીનો સૌથી મોટો ત્રિમાસિક આંકડો છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
