News of Tuesday, 7th July 2026
ચીનનો હચમચાવી દેતો ફેંસલો: ૨,૮૦૦ કરોડ રૂપિયાની લાંચ લેનારા પૂર્વ સરકારી અધિકારીને કોર્ટે ફટકારી સીધી 'મૃત્યુદંડ' ની સજા, દયાની અરજી ફગાવી
નાનજિંગના ૬૯ વર્ષીય યાંગ યુલિન પર સત્તાનો દુરુપયોગ અને મની લોન્ડરિંગનો ગુનો સાબિત; શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ તાજેતરના વર્ષોનું સૌથી મોટું એક્શન

બીજિંગ, તા.૦૭: ભ્રષ્ટાચાર સામે દુનિયાભરમાં સૌથી કડક વલણ અપનાવતા ચીને વધુ એક મોટો અને કડક સંદેશ આપ્યો છે. પૂર્વી ચીનની એક અદાલતે નાનજિંગ શહેરના પૂર્વ વરિષ્ઠ સરકારી અધિકારી યાંગ યુલિન (૬૯ વર્ષ) ને આશરે ૨,૮૦૦ કરોડ રૂપિયા (૨.૨ અબજ યુઆન) ની અધધ લાંચ લેવાના કેસમાં દોષિત ઠેરવીને સીધી મૃત્યુદંડની આકરી સજા સંભળાવી છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, દેશના ઇતિહાસમાં તાજેતરના વર્ષોનું આ સૌથી મોટું અને ભયાનક ભ્રષ્ટાચાર કૌભાંડ છે, જેણે આખા ચીની શાસનતંત્રને હચમચાવી દીધું છે.
૩૦ વર્ષ સુધી પદનો દુરુપયોગ કરીને ઉઘરાવી લાંચ
તપાસ એજન્સીઓના અહેવાલો મુજબ, યાંગ યુલિને વર્ષ ૧૯૯૩ થી ૨૦૨૩ સુધીના ત્રણ દાયકા ગાળા દરમિયાન નાનજિંગ શહેરમાં અનેક મહત્વપૂર્ણ અને પાવરફુલ સરકારી હોદ્દાઓ સંભાળ્યા હતા. આ લાંબા સમયગાળા દરમિયાન, તેમણે મોટી ખાનગી કંપનીઓ અને માલેતુજારોને સરકારી એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ અપાવવા, મોંઘી જમીનો ટ્રાન્સફર કરાવવા અને બેંકોમાંથી કરોડોનું ધિરાણ (લોન) અપાવવા માટે પોતાની સત્તાનો બેફામ દુરુપયોગ કર્યો હતો. આના બદલામાં તેમણે માત્ર અઢળક રોકડા રૂપિયા જ નહીં, પરંતુ વિદેશી કિંમતી ભેટસોગાદો અને લક્ઝરી વસ્તુઓ પણ લાંચ સ્વરૂપે સ્વીકારી હતી.
રાષ્ટ્રપતિ શી જિનપિંગનું હંટર: આજીજી પણ કામ ન આવી
યાંગ સામેની આ કડક કાર્યવાહી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના એ પ્રખ્યાત અને લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે, જે હેઠળ વરિષ્ઠ નેતાઓ, આર્મી ઓફિસરો અને ટોચના બેંકરોને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. ચાંગઝોઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી યાંગે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને કોર્ટ પાસે દયાની ભીખ માંગી હતી. જોકે, અદાલતે તેની તમામ દલીલોને ફગાવી દેતા સ્પષ્ટ કહ્યું કે, "આરોપીના ગુનાઓ અત્યંત ગંભીર છે અને તેનાથી દેશ તથા જનતાના હિતોને ન ભરાય તેવું અપવાદરૂપ ભારે નુકસાન થયું છે, તેથી સજામાં કોઈ ઉદારતા દાખવી શકાય નહીં."
ચીનમાં નાણાકીય ગુનામાં ફાંસી દુર્લભ, પણ આ તો હદ પાર હતી!
સામાન્ય રીતે ચીનમાં નાણાકીય ભ્રષ્ટાચારના કેસોમાં આજીવન કેદ કે સસ્પેન્ડેડ મૃત્યુદંડ (જે પછીથી આજીવન કેદમાં બદલાઈ જાય છે) આપવામાં આવે છે. પરંતુ, જ્યારે લાંચની રકમ અબજો રૂપિયામાં પહોંચી જાય ત્યારે કોર્ટ સીધી ફાંસીનો જ હુકમ કરે છે. આ પહેલાં વર્ષ ૨૦૨૧ માં નાણાકીય એક્ઝિક્યુટિવ લાઇ ઝિયાઓમિનને ૨,૩૦૦ કરોડની લાંચ બદલ અને ૨૦૨૪ માં લી જિયાનપિંગને ૩,૮૦૦ કરોડની ઉચાપત બદલ ફાંસી આપવામાં આવી હતી. હવે યાંગ યુલિન આ કાળી યાદીમાં જોડાનારો નવો ભ્રષ્ટ અધિકારી બન્યો છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
