તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બ્રિક્સ સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પહેલાં ચીનનું નરમ વલણ: મતભેદો ઉકેલી દ્વિપક્ષીય સંબંધો સુધારવા મૂક્યો ભાર!
લગભગ સાત વર્ષ બાદ ચીની રાષ્ટ્રપતિની ભારત મુલાકાત; નવી દિલ્હીમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર વિશ્વભરની નજર.

બીજિંગ : નવી દિલ્હી ખાતે યોજાનારી ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત આગમન પહેલાં ચીન તરફથી એક સકારાત્મક અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે એશિયાની આ બંને અગ્રણી મહાસત્તાઓએ પોતાના પરસ્પરના મતભેદોને યોગ્ય અને સમજુતીપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ. ચીને ભારત સાથેના સંબંધોને કોઈ ટૂંકા ગાળાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી આગળ વધારવા તૈયારી દર્શાવી છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કઝાન અને તિયાનજિનની સફળ મુલાકાતો બાદ બંને દેશોના શીર્ષ નેતાઓ સતત ત્રીજા વર્ષે એકબીજાને મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ પરસ્પર સંવાદ વધારવા, મતભેદો દૂર કરવા, સહયોગ વિસ્તારવા અને સારા પડોશી તરીકે એકબીજાને મદદરૂપ થવા કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦ના પૂર્વ લદ્દાખ સરહદ વિવાદ બાદ બંને દેશો વચ્ચે સર્જાયેલી સરહદી તંગદિલી અને સ્થગિત થયેલા સંબંધોને ફરી સામાન્ય બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.
ભારત ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે ૧૮મી બ્રિક્સ સમિટનું યજમાનપદ ભોગવી રહ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે ૨૦૧૯માં મામલ્લાપુરમ ખાતે યોજાયેલી અનૌપચારિક સમિટ માટે ભારત આવ્યા હતા, જેના લગભગ સાત વર્ષ બાદ તેઓ ફરી ભારતીય મિશન પર આવી રહ્યા છે. ભારત બ્રિક્સનું સ્થાપક સભ્ય છે અને આ ચોથી વખત તેનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. વૈશ્વિક રાજકીય અસ્થિરતા વચ્ચે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ આગામી મુલાકાત પર વૈશ્વિક સમુદાય પણ નજીકથી નજર રાખી રહ્યો છે, કારણ કે આ વાટાઘાટો ભારત-ચીન સંબંધોની ભવિષ્યની દિશા નક્કી કરશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
