<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અમેરિકામાં ચીનનું 'સ્પાય નેટવર્ક' પકડાયું! કેલિફોર્નિયાના મેયર ચીની એજન્ટ નીકળ્યા, રાજીનામું આપતા ખળભળાટ

ચૂંટણી પહેલા ચીનના ઈશારે પ્રચાર કર્યો હોવાનો પ્લી ડીલમાં સ્વીકાર: મેયર ઈલીન વાંગને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે - લોકશાહીને નબળી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આર્કેડિયા શહેરના મેયર ઈલીન વાંગે ચીનના ગેરકાયદેસર એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલ્યા બાદ તાત્કાલિક રાજીનામું આપી દીધું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) ના તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે વાંગ ગુપ્ત રીતે ચીની સરકારના હિતોને પ્રોત્સાહન આપવા અને પ્રચાર ફેલાવવા માટે કામ કરી રહ્યા હતા.

ન્યૂઝ વેબસાઈટના ઓઠા હેઠળ 'પ્રોપેગેન્ડા'

તપાસમાં ખુલાસો થયો છે કે 58 વર્ષીય વાંગ અને તેમના સાથીદાર યાઓનિંગ 'માઇક' સન 'યુએસ ન્યૂઝ સેન્ટર' નામની એક વેબસાઈટ ચલાવતા હતા. આ વેબસાઈટ સ્થાનિક ચાઈનીઝ-અમેરિકન સમુદાય માટે સમાચાર આપતી હોવાનો દાવો કરતી હતી, પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ ચીની સામ્યવાદી પક્ષ (PRC) દ્વારા મોકલવામાં આવેલા લેખો અને પ્રોપેગેન્ડાને ફેલાવવા માટે થતો હતો.

શી જિનપિંગ સાથે સીધો સંપર્ક ધરાવતા અધિકારીઓ સાથે જોડાણ

DoJ ના પુરાવા મુજબ, જૂન 2021 માં ચીની અધિકારીઓએ વાંગને એન્ક્રિપ્ટેડ WeChat સંદેશા દ્વારા પૂર્વ-લેખિત લેખો મોકલ્યા હતા. આ લેખોમાં શિનજિયાંગમાં થતા માનવ અધિકાર ઉલ્લંઘનો અને બળજબરીથી મજૂરી કરાવવાના આરોપોને નકારી કાઢી ચીનની છબી સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાંગે આ લેખો પોતાની વેબસાઈટ પર તરત જ પોસ્ટ કર્યા હતા. એટલું જ નહીં, વાંગે ચીની ગુપ્તચર વિભાગના ઉચ્ચ સ્તરીય સભ્ય જોન ચેન સાથે પણ વાતચીત કરી હતી, જેનો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સીધો સંપર્ક હોવાનું મનાય છે.

ચૂંટણી પહેલાનું આચરણ અને સજાની જોગવાઈ

આર્કેડિયા શહેરના મેનેજરે સ્પષ્ટતા કરી છે કે આ ગેરકાયદે આચરણ વાંગ મેયર તરીકે ચૂંટાયા તે પહેલાનું છે અને શહેરના વહીવટ કે નાણાકીય બાબતો પર તેની કોઈ અસર થઈ નથી. જોકે, પ્લી એગ્રીમેન્ટ મુજબ વાંગે પોતાનો ગુનો કબૂલ્યો છે અને તેમને 10 વર્ષ સુધીની સખત જેલની સજા થઈ શકે છે. સહાયક એટર્ની બિલ એસેલીએ જણાવ્યું હતું કે, "આ કેસ ચીન દ્વારા આપણી સંસ્થાઓને ભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસના મજબૂત રક્ષણનો પુરાવો છે."

આ ઘટનાને પગલે કેલિફોર્નિયાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આગામી બેઠકમાં સિટી કાઉન્સિલ હવે નવા મેયરની વરણી કરશે, પરંતુ વિદેશી શક્તિઓ દ્વારા સ્થાનિક લોકશાહીમાં ઘૂસણખોરીના આ કિસ્સાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

 

(9:02 PM IST)