<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ન્યૂ યોર્કના એક રેમેન સ્ટોલ ઉપરથી ચાલતો હતો ચીનનો ‘જાસૂસી અડ્ડો’: અમેરિકામાં ડ્રેગનનો ભયાનક ખેલ ખતમ, હજારો કિમી દૂર બેસીને વિરોધીઓ પર રખાતી હતી બાજ નજર

અમેરિકન કોર્ટે ચીની એજન્ટ લુ ઝિયાનવાંગને ઠેરવ્યો દોષિત: FBI ની તપાસ શરૂ થતા જ પુરાવા નષ્ટ કરવાનો થયો પ્રયાસ, શું વિશ્વના ૫૩ દેશોમાં ચીને ફેલાવ્યું છે આવું જ ખતરનાક નેટવર્ક?

ન્યૂ યોર્ક : અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાંથી ચીની જાસૂસી અને દમનનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. મેનહટન વિસ્તારના ચાઇનાટાઉનમાં એક સામાન્ય લાગતા રેમેન સ્ટોલ (નૂડલ્સની દુકાન) ની ઉપરના માળેથી ચીન સરકારનું એક ‘ગુપ્ત પોલીસ સ્ટેશન’ ધમધમી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટે તાજેતરમાં જ અમેરિકન નાગરિક લુ ઝિયાનવાંગ (હેરી લુ) ને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવા અને ચીની એજન્ટ તરીકે કામ કરવા બદલ દોષિત જાહેર કર્યો છે.
 
રેમેન સ્ટોલની આડમાં જાસૂસીનું મોટું નેટવર્ક
તપાસમાં બહાર આવ્યું છે કે આ કેન્દ્ર ૨૦૨૨ની શરૂઆતમાં કાર્યરત થયું હતું. બહારથી સામાન્ય દેખાતી આ જગ્યાનો ઉપયોગ ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયના ઈશારે થતો હતો. ૬૪ વર્ષીય લુ ઝિયાનવાંગ પર આરોપ છે કે તે અમેરિકામાં રહેતા હોવા છતાં ચીની સરકારના હિતો માટે કામ કરતો હતો. જ્યારે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ને આ અંગે ગુપ્ત માહિતી મળી અને તપાસ શરૂ થઈ, ત્યારે ૨૦૨૨ના અંત સુધીમાં આ કેન્દ્રને ઉતાવળે બંધ કરી દેવામાં આવ્યું હતું.
 
પુરાવા ભૂંસવા માટે ટેક્સ્ટ મેસેજ ડિલીટ કર્યા
પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, લુ ઝિયાનવાંગ અને તેના સાથી આરોપી ચેન જિનપિંગને જ્યારે ખબર પડી કે અમેરિકી એજન્સીઓ તેમની પાછળ પડી છે, ત્યારે તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ચીની અધિકારીઓ સાથેના તમામ ટેક્સ્ટ મેસેજ અને સંવાદો ડિલીટ કરી નાખ્યા હતા. FBI ના આસિસ્ટન્ટ ડિરેક્ટર જેમ્સ સી. બાર્નેકલ જુનિયરે જણાવ્યું કે આ કેન્દ્રનો મુખ્ય હેતુ ચીની સરકારના ટીકાકારો અને અમેરિકામાં રહીને લોકશાહીની માંગ કરતા કાર્યકરો પર નજર રાખવાનો અને તેમને ડરાવવાનો હતો.
 
ચીનનો દાવો: ‘સર્વિસ સ્ટેશન’, સત્ય કંઈક અલગ
માનવાધિકાર સંગઠનોના અહેવાલો મુજબ, આ માત્ર એકલદોકલ ઘટના નથી. વિશ્વના ૫૩ દેશોમાં ચીને આવા ૧૦૦ થી વધુ કથિત ‘ગુપ્ત પોલીસ સ્ટેશનો’ સ્થાપ્યા હોવાની શંકા છે. જોકે, બેઇજિંગ આ આરોપોને સદંતર નકારી રહ્યું છે. ચીનનું કહેવું છે કે આ કોઈ જાસૂસી કેન્દ્રો નથી, પરંતુ વિદેશમાં રહેતા ચીની નાગરિકોને દસ્તાવેજીકરણ અને વહીવટી મદદ પૂરી પાડતા ‘સર્વિસ સ્ટેશન’ છે. પરંતુ અમેરિકામાં આ એજન્ટોની ધરપકડથી ચીનની દલીલો પોકળ સાબિત થઈ રહી છે.
 
અમેરિકા-ચીન સંબંધોમાં વધુ ખટાશ
આ કેસના બીજા આરોપી ચેન જિનપિંગે પણ ચીન માટે એજન્ટ તરીકે કામ કર્યું હોવાની કબૂલાત કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકા અને ચીન વચ્ચેના તણાવમાં તેલ હોમવાનું કામ કર્યું છે. અમેરિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે વિદેશી સરકારોની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લોકશાહી વિરોધી કૃત્યોને સહન કરશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આ કેસના કારણે આગામી દિવસોમાં બંને મહાસત્તાઓ વચ્ચેના રાજદ્વારી સંબંધો શું વળાંક લે છે.

(9:22 PM IST)