News of Tuesday, 21st July 2026
AI અને ચિપ ટેકનોલોજી યુદ્ધમાં ચીનનો ચોંકાવનારો નિર્ણય: અદ્યતન AI મોડેલ્સ અને સેમિકન્ડક્ટરની નિકાસ પર મૂકી શકે છે કડક પ્રતિબંધ; પશ્ચિમી દેશોને ઝાટકો આપવાની તૈયારી!
ચીની વાણિજ્ય મંત્રાલયે અલીબાબા, બાઈટડાન્સ અને હુઆવેઈ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે ગુપ્ત બેઠકો કરી, દેશની ટેકનોલોજી વિદેશી હાથોમાં જતી રોકવા ઘડી રણનીતિ

બીજિંગ, તા.૨૧: વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર ચિપ ક્ષેત્રે વર્ચસ્વ જમાવવાની હોડ વચ્ચે ચીન તરફથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ચીની સરકાર દેશની સૌથી અદ્યતન AI ટેકનોલોજી, પ્રોસેસર ડિઝાઇન અને ચિપમેકિંગ ક્ષમતાઓની વિદેશમાં નિકાસ પર કડક પ્રતિબંધો લાદવાની ગંભીર વિચારણા કરી રહી છે. ચીન હવે અમેરિકાની જેમ જ અદ્યતન AI ને પોતાની અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોઈ રહ્યું છે અને તેને દેશની બહાર જતી અટકાવવા માંગે છે.
અહેવાલ અનુસાર, ચીનના વાણિજ્ય મંત્રાલયે દેશની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ જેવી કે અલીબાબા (Alibaba), બાઈટડાન્સ (ByteDance), હુઆવેઈ (Huawei) અને ઝીપુ (Zhipu) સાથે બંધ બારણે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. આ ચર્ચાઓનો મુખ્ય હેતુ ચીનના વિશિષ્ટ AI મોડેલ્સ, મોડેલ વજન (Model Weights) ના ડાઉનલોડિંગ અને વિદેશી ડેટા સેન્ટરોમાં તેમના ડેટાના ઉપયોગ પર કડક નિયંત્રણો લાવવાનો છે, જેથી પશ્ચિમી દેશો કે વિદેશી રોકાણકારો આ અદ્યતન ટેકનોલોજી પર કબજો ન જમાવી શકે.
વિદેશી ચિપ ઉત્પાદકો પર પણ કડક સિકંજો કસવાની તૈયારી
ચીની નિયમનકારો માત્ર AI મોડેલ્સ જ નહીં, પરંતુ હાર્ડવેર ક્ષેત્રે પણ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. FT ના અહેવાલ મુજબ, ક્વોલકોમ (Qualcomm) અને TSMC જેવી વિદેશી ચિપ નિર્માતા કંપનીઓ, ચીની કંપનીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સનું નિર્માણ ન કરી શકે તેવા પ્રતિબંધો પર પણ મંથન ચાલી રહ્યું છે.
ઉપરાંત, એજન્ટિક AI (Agentic AI) જેવા અત્યાધુનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિદેશી ટેક-એક્વિઝિશન (હસ્તગત) પર પણ નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. ચીનની નિકાસ પ્રતિબંધિત તકનીકોની આગામી સુધારેલી યાદીમાં આ નવા કડક નિયમોનો સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતા છે, જે વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે મોટા ફેરફારો લાવી શકે છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
