તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
‘ઓપરેશન સિંદુર'માં પાકિસ્તાની એરફોર્સને ચીનના ટેકનિકલ એન્જિનિયરોએ મદદ કરી'તી
ડ્રેગનનો ચોંકાવનારો ખુલાસો : પડદા પાછળ રહીને ભજવેલી ખતરનાક ભૂમિકાનો ચીને પ્રથમવાર સ્વીકાર કર્યો

બીજિંગ, તા.૮: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષે મે ૨૦૨૫ માં થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની ભૂમિકાને લઈને મોટો પર્દાફાશ થયો છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને પાકિસ્તાનને મદદ કરતું ચીન હવે ખુલ્લેઆમ સામે આવ્યું છે. ચીનના સરકારી મીડિયા સીસીટીવી પર પ્રસારિત એક ખાસ ઇન્ટરવ્યુમાં, ચીનના એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના એન્જિનિયર ઝાંગ હેંગે પુષ્ટિ કરી છે કે યુદ્ધના તે ચાર દિવસો દરમિયાન ચીની નિષ્ણાતોની આખી ટીમ પાકિસ્તાની વાયુસેનાના ગ્રાઉન્ડ ઝીરો પર હાજર હતી. આ નિષ્ણાતો માત્ર સલાહ જ નહોતા આપી રહ્યા, પરંતુ ૫૦ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં પાકિસ્તાની મિસાઈલો અને વિમાનોને સજ્જ કરવામાં સીધી મદદ કરી રહ્યા હતા.
આ અહેવાલમાં સૌથી ચોંકાવનારો દાવો એ કરવામાં આવ્યો છે કે આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના J-10CE ફાઈટર જેટે ભારતના અદ્યતન ફ્રેન્ચ બનાવટના રાફેલ જેટને તોડી પાડ્યું હતું. જોકે ભારત તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ ચીની એન્જિનિયરો આ ઘટનાને તેમની ટેકનોલોજીની જીત ગણાવી રહ્યા છે. ઝાંગ હેંગે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, અમે સપોર્ટ બેઝ પર સતત એર-રેડ સાયરન અને જેટના ગુંજારવ સાંભળતા હતા. અમારું મિશન એ હતું કે પાકિસ્તાની વાયુસેનાના જે-૧૦સી વિમાનો કોઈપણ અડચણ વગર ભારત સામે ઉડી શકે. આ પહેલીવાર છે જ્યારે ચીની બનાવટના વિમાને વાસ્તવિક યુદ્ધમાં રાફેલ જેવા પヘમિી વિમાન સાથે સીધી ટક્કર લીધી હોવાનો ચીને દાવો કર્યો છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ઘટના પાછળ પાકિસ્તાનની હિંમત નહીં પણ ચીની બનાવટની PL-15 મિસાઈલ અને તેની રડાર સિસ્ટમનો મોટો હાથ હતો. પાકિસ્તાન હાલમાં ચીન સિવાય J-10C જેટનું સંચાલન કરતો વિશ્વનો એકમાત્ર દેશ છે. ડેટા દર્શાવે છે કે પાકિસ્તાનની ૮૦% લશ્કરી આયાત હવે માત્ર ચીન પર નિર્ભર છે. ચીને જે રીતે યુદ્ધના મેદાનમાં પોતાના એન્જિનિયરો મોકલ્યા, તે સાબિત કરે છે કે તે દક્ષિણ એશિયામાં ભારતની વધતી શક્તિને રોકવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે. આ ટેકનિકલ સપોર્ટ ખરેખર તો ભારત વિરુદ્ધ ચીનનું જ એક પરોક્ષ યુદ્ધ હતું.
આ સત્તાવાર કબૂલાત બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ચીન હવે તેની આ યુદ્ધ સફળતાનો ઉપયોગ કરીને દુનિયાભરમાં પોતાના ફાઈટર જેટ્સ વેચવા માટે મોટું માર્કેટિંગ કરી રહ્યું છે. ઇન્ડોનેશિયા, ઇરાક અને બાંગ્લાદેશ જેવા દેશો હવે આ ચીની વિમાનોમાં રસ દાખવી રહ્યા છે. ભારત માટે આ એક ગંભીર ચેતવણી છે કે ભવિષ્યમાં પાકિસ્તાન સામેના કોઈપણ સંઘર્ષમાં તેણે માત્ર ઇસ્લામાબાદ જ નહીં, પણ બીજિંગની સીધી સૈન્ય દખલગીરીનો પણ સામનો કરવો પડશે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
