તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
૨૦૨૭ ની ચૂંટણી માટે ચિરાગ પાસવાનનું મોટું મિશન: UP ની તમામ ૪૦૩ અને પંજાબની ૧૧૭ સીટો પર લડશે LJP!
પિતા રામવિલાસ પાસવાનની પુણ્યતિથિએ લખનૌથી ચિરાગ પાસવાનનો ધમાકેદાર શંખનાદ: એનડીએ ગઠબંધનમાં રહીને પણ યુપી, બિહાર અને પંજાબમાં તમામ બેઠકો પર સંગઠન મજબૂત કરવાનો આપ્યો સ્પષ્ટ સંદેશ

લખનૌ: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી ના પ્રમુખ ચિરાગ પાસવાને ૨૦૨૭ ની આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને એક અત્યંત મહત્વકાંક્ષી અને ચોંકાવનારી જાહેરાત કરી છે. લખનૌ ખાતે પોતાના પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. રામવિલાસ પાસવાનની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી શોક સભામાં હાજરી આપ્યા બાદ, પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઉત્તર પ્રદેશની તમામ ૪૦૩ અને પંજાબની ૧૧૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરવાનો સત્તાવાર આદેશ આપ્યો છે. ચિરાગે સ્પષ્ટ કર્યું કે રાજકીય ગઠબંધન માત્ર સીટો મેળવવા પૂરતું સીમિત નથી હોતું, પરંતુ પાર્ટીને દરેક બેઠક પર મજબૂત બનાવવી એ સાથી પક્ષો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધન સાથે બેઠકોની વહેંચણી અંગે ચિરાગે અત્યંત વ્યવહારુ વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સીટ શેરિંગ અંગેની ઔપચારિક વાટાઘાટો માટે હજુ ચૂંટણીની જાહેરાત સુધી રાહ જોવી પડશે, પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમની સતત વાતચીત થઈ રહી છે અને સાથે મળીને આગળ વધવાની ઈચ્છા બંને તરફથી છે. પોતાના પિતાના રાજકીય વારસાને યાદ કરતા તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાને વી.પી. સિંહથી લઈને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સુધીના વિવિધ વડાપ્રધાનો સાથે કામ કરીને સફળ ગઠબંધન રાજકારણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને તેઓ પણ એ જ નકશાકદમ પર ચાલી રહ્યા છે.
વિપક્ષ પર આકરા પ્રહારો કરતા ચિરાગ પાસવાને સમાજવાદી પાર્ટીના 'PDA' (પિછડા, દલિત, અલ્પસંખ્યક) ફોર્મ્યુલા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે વંચિતોના કલ્યાણના દાવા માત્ર વાતોમાં નહીં પરંતુ રાજ્યસભા ચૂંટણી જેવા વ્યવહારિક નિર્ણયોમાં દેખાવા જોઈએ. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ (ECI) પર વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શનો અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને અયોગ્ય ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે શેરીઓમાં રોજબરોજ વિરોધ કરવાને બદલે વિપક્ષે બંધારણીય સંસ્થા ECI સમક્ષ જઈને પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની પાર્ટી જાતિ અને ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને તમામ વર્ગોને સાથે લઈને ચાલવા માટે કટિબદ્ધ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
