તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
છત પર કપડાં લેવા ગઈ દેરાણીઃ પાછળથી જેઠે દરવાજો કરી દીધો બંધ અને પછી દુષ્કર્મ!
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી

ગ્વાલિયર,તા.૨૮: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરેશ નગરમાં રહેતી ૨૩ વર્ષની પરિણીતાએ પોતાના જેઠ કમલ પર જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે ઘટના બાદ આરોપી તેને સતત ધમકાવતો રહ્યો. ભય અને સમાજમાં બદનામી થવાના ડરના કારણે તે લાંબા સમય સુધી ચૂપ રહી હતી. હવે પરિણીતાએ પોતાની માતા અને નાની સાથે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પીડિતા મુરૈનાના ઉત્તમપુરાની રહેવાસી છે. તેના લગ્ન ૨૭ મે ૨૦૨૫ના રોજ હિન્દુ રીતરિવાજ મુજબ થયાં હતાં. પરિણીતાના જણાવ્યા અનુસાર, લગ્ન બાદ તેને ખબર પડી હતી કે તેના પતિની કિડની ખરાબ છે અને તેના સસરાએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની રાત્રે લગભગ ૧૦ વાગ્યે ઘરના કામ પૂરાં કર્યા બાદ તે છત પરથી કપડાં લેવા ગઈ હતી. કપડાં લઈને જ્યારે તે નીચે ઊતરવા લાગી, ત્યારે તેના જેઠ કમલે દાદરનો દરવાજો બંધ કરી દીધો હતો.
પરિણીતાનો આરોપ છે કે દરવાજો બંધ કર્યા બાદ જેઠ પાછળથી આવ્યો અને તેનું મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ તે તેને છત પર આવેલા ઓરડામાં લઈ ગયો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ પરિણીતામાં ડરનો માહોલ હતો. તેનો આરોપ છે કે જેઠે તેને ધમકી આપી હતી કે જો તેણે આ વિશે પોતાના પિયરનાં લોકોને જણાવ્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ ધમકીને કારણે તે પોતાની સાથે બનેલી ઘટના કોઈને કહેવાની હિમત કરી શકી નહોતી.
પીડિતાના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ૨ માર્ચે જેઠ તેને મુરૈના છોડવા ગયો હતો. રસ્તામાં પણ તેણે ધમકી આપી હતી કે જો તેણે પિયરનાં લોકોને ઘટના વિશે જણાવ્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ કારણે પરિણીતાએ પોતાના પરિવારને ઘટનાની જાણ કરી નહોતી.
પીડિતાનું કહેવું છે કે તેનો પતિ પણ લગભગ ૨ મહિના સુધી તેને લેવા આવ્યો નહોતો. આ દરમિયાન તે પરેશાન રહી હતી અને ઘટના અંગે મૌન જાળવી રાખ્યું હતું. ધમકી અને સમાજમાં બદનામી થવાના ડરને કારણે તે લાંબા સમય સુધી પોલીસ પાસે પણ પહોંચી નહોતી.
પરિણીતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેની માતાએ તેને પરેશાનીનું કારણ પૂછ્યું, ત્યારે તેણે જેઠની કથિત હરકત વિશે જણાવ્યું હતું. ત્યારબાદ માતા અને નાની તેને લઈને થાટીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાં પીડિતાએ પોલીસને સમગ્ર ઘટના જણાવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી લીધો છે. હવે આરોપી કમલની શોધખોળ કરવામાં આવી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
