તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ (CIA) ના ડાયરેક્ટર રેટક્લિફે ક્યુબાની વ્યક્તિગત મુલાકાત લઈને હુમલાના કાવતરા અંગે આપી અત્યંત કડક ચેતવણી
ક્યુબામાં રશિયા અને ઈરાનના ૩૦૦ સૈન્ય ડ્રોનનો સંગ્રહ હોવાના અને ગ્વાન્ટાનામો બે તેમજ કી વેસ્ટ પર હુમલાની યોજના અંગે અમેરિકી ઈન્ટેલિજન્સનો દાવો : ૫,૦૦૦ ક્યુબન સૈનિકો રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ડ્રોન વોરફેર શીખીને પરત ફરતા અને ઈરાની સલાહકારો હાજર હોવાથી તણાવ ચરમસીમાએ

વોશિંગ્ટન : અમેરિકા અને ક્યુબા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર શીત યુદ્ધ જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ના ડાયરેક્ટર રેટક્લિફે તાજેતરમાં જ ક્યુબાની વ્યક્તિગત અને તાકીદની મુલાકાત લઈને ત્યાંના ઉચ્ચ સત્તાવાળાઓને સીધી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા પાકા પુરાવા મળ્યા છે કે ક્યુબાના સરકારી અધિકારીઓ અમેરિકાના દરિયાઈ જહાજો, ગ્વાન્ટાનામો બે સૈન્ય મથક અને ત્યાંથી માત્ર ૯૦ માઈલ દૂર આવેલા ફ્લોરિડાના મહત્વના વિસ્તાર ‘કી વેસ્ટ’ પર મોટા પાયે ડ્રોન હુમલા કરવા અંગે આંતરિક ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આ સંભવિત આક્રમક પ્લાનને નિષ્ફળ બનાવવા અને ક્યુબાને તેની આકરી અસરો અંગે વાકેફ કરવા માટે આ હાઈ-લેવલ વિઝિટ યોજવામાં આવી હતી.
અમેરિકી જાસૂસી અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૨૩ થી જ ક્યુબા દ્વારા સમગ્ર ટાપુ પર અલગ-અલગ ગુપ્ત સ્થળોએ રશિયા અને ઈરાન પાસેથી મેળવેલા અંદાજે ૩૦૦ જેટલા અત્યાધુનિક સૈન્ય ડ્રોનનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ ડ્રોન આઈલેન્ડના વિવિધ વ્યૂહાત્મક સ્થાનો પર તૈનાત હોવાની સેટેલાઈટ અને માનવ ઈન્ટેલિજન્સ દ્વારા પુષ્ટિ થઈ છે. સીઆઈએ ડાયરેક્ટર રેટક્લિફે ક્યુબાના સત્તાધીશો સાથેની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અમેરિકાના કટ્ટર વિરોધી દેશોને પોતાના ટાપુનો ઉપયોગ યુએસ વિરુદ્ધ કરવા દેવાનું ક્યુબા તાત્કાલિક બંધ કરે, અન્યથા તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ બાબતે અમેરિકાની ચિંતામાં વધારો કરનારી સૌથી મોટી કડી એ છે કે ક્યુબાના અંદાજે ૫,૦૦૦ જેટલા સૈનિકો તાજેતરમાં જ યુક્રેન સામેના યુદ્ધના મેદાનમાંથી સીધો લશ્કરી અનુભવ મેળવીને ક્યુબા પરત ફર્યા છે. આ સૈનિકોએ રશિયા તરફથી લડીને પ્રત્યક્ષ રીતે ડ્રોન વોરફેર એટલે કે ડ્રોન દ્વારા હુમલા કરવાની અદ્યતન યુદ્ધ કળા અને વહાવટ પ્રત્યક્ષ રીતે શીખી લીધી છે. આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઈરાનના લશ્કરી અને તકનીકી સલાહકારો પણ ક્યુબાની રાજધાની હવાનામાં સક્રિય હોવાના પુરાવા મળ્યા છે. રશિયા અને ચીન જેવા દેશો પણ આ ટાપુ પરથી પોતાની હાઈ-ટેક ઈન્ટેલિજન્સ અને જાસૂસી સુવિધાઓ તેમજ પ્લાન્ટ ઓપરેટ કરી રહ્યા છે, જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો પડકાર છે.
સમગ્ર મામલે અમેરિકાના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સત્તાવાર રીતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “અમેરિકાની સાવ નજીક આ પ્રકારે વિરોધી દેશોનું સૈન્ય નેટવર્ક ઊભું થવું અને સૈન્ય ડ્રોનનો જમાવડો કરવો એ એવી વાસ્તવિકતા નથી કે જેનાથી અમેરિકા કમ્ફર્ટેબલ એટલે કે શાંત રહી શકે.” સીઆઈએ ડાયરેક્ટરની આ સીધી મુલાકાત બાદ હવે ક્યુબા સરકાર આ આંતરરાષ્ટ્રીય દબાણ સામે કેવું વલણ અપનાવે છે તેના પર વૈશ્વિક સંરક્ષણ નિષ્ણાતોની નજર મંડાયેલી છે. અમેરિકાએ પોતાની દરિયાઈ સીમાઓ અને સૈન્ય મથકોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવી દીધી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
