<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

વિદ્યાર્થીઓના હિતમાં CIC નો ઐતિહાસિક નિર્ણય: CBSE એ વિદ્યાર્થીઓને માર્ક્સ અને આન્સર-શીટ આપવા માટે ચોક્કસ સમયરેખા સાથેની SOP બનાવવી પડશે; સત્તાવાર વેબસાઇટ પર વિગતો મૂકવા આદેશ

૨૦૨૧ માં ધોરણ ૧૨ ની વિદ્યાર્થિનીને માર્ક્સ ન આપતા મામલો કમિશન સુધી પહોંચ્યો; CIC એ ઝાટકણી કાઢીને કહ્યું - "પોતાના જ માર્ક્સ આપવાની ના પાડવી એ RTI કાયદાની ભાવના વિરુદ્ધ છે"

નવી દિલ્હી : દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેન્દ્રીય માહિતી પંચ (Central Information Commission - CIC) તરફથી એક બહુ મોટી અને રાહત આપનારી ખબર સામે આવી છે. સીઆઈસીએ દેશના સૌથી મોટા શૈક્ષણિક બોર્ડ પૈકીના એક એવા CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, વિદ્યાર્થીઓની વિનંતી પર તેમને ગુણ (માર્ક્સ) અને ઉત્તરપત્રો (આન્સર-શીટ) પૂરા પાડવા માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરતી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) એટલે કે નિયમાવલી તૈયાર કરવામાં આવે. કમિશને આ વ્યવસ્થાને "આજના સંજોગોની ગંભીર જરૂરિયાત" ગણાવી છે.

ધોરણ ૧૨ ની વિદ્યાર્થિનીની કાનૂની લડત અને ‘માનસિક વેદના’

આ ચુકાદો ધોરણ ૧૨ ની એક વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી દરમિયાન આવ્યો છે. વર્ષ ૨૦૨૧ માં કોવિડ-૧૯ રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષાઓ રદ થઈ હતી, જેના પગલે સીબીએસઈએ એક વિશેષ મૂલ્યાંકન નીતિ જાહેર કરી હતી.

અપીલકર્તા વિદ્યાર્થિનીએ આ નીતિ હેઠળ તેના પાંચ વિષયોની 'ટેબ્યુલેશન શીટ' (મૂલ્યાંકન રેકોર્ડ) ની માંગણી કરી હતી. બોર્ડની આ મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર ભૂલો હોવાને કારણે તેણીને ભારે માનસિક વેદના અને હતાશાનો સામનો કરવો પડ્યો હતો, જેના માટે તેણીએ મેડિકલ ઉપચાર (થેરાપી) પણ કરાવવી પડી હતી. જ્યારે તેણીએ આ અંગે આરટીઆઈ (RTI) કરી, ત્યારે બોર્ડના અધિકારીઓએ માહિતી આપવાની ના પાડી દીધી હતી.

"યુવા મગજ પર નકારાત્મક અસર ન થવી જોઈએ"

માહિતી કમિશનર સુધા રાણી રેલાંગીએ આ કેસમાં કડક વલણ અપનાવતા અવલોકન કર્યું કે, સીબીએસઈના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી (CPIO) દ્વારા વિદ્યાર્થીનીને તેના પોતાના જ મૂલ્યાંકનના ગુણ ન આપવા એ રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટ, ૨૦૦૫ ની મૂળ ભાવનાથી તદ્દન વિપરીત છે. બોર્ડે અન્ય વિદ્યાર્થીઓની ગુપ્ત વિગતોને હટાવીને પણ આ વિદ્યાર્થિનીને તેના રેકોર્ડ આપવા જોઈતા હતા. કમિશને ચિંતા વ્યક્ત કરી કે આવી વહીવટી ખામીઓ યુવા મનને ખરાબ રીતે પ્રભાવિત કરે છે.

૪ અઠવાડિયામાં રીપોર્ટ સબમિટ કરવા આદેશ

·         RTI કાયદા હેઠળ ભલામણ: સીઆઈસીએ આરટીઆઈ કાયદાની કલમ ૨૫(૫) હેઠળ સીબીએસઈને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ તાકીદે એસઓપી (SOP) ઘડે અને આ નીતિ વિશેની તમામ વિગતો પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરે.

·         મફતમાં રેકોર્ડ આપવા નિર્દેશ: આ આદેશની નકલ સીબીએસઈ સચિવને મોકલી દેવાઈ છે, તેમજ બોર્ડના CPIO ને આદેશ અપાયો છે કે અપીલકર્તા વિદ્યાર્થિનીને નિર્ધારિત ફોર્મેટમાં તેના સુધારેલા ગુણની વિગતો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે.

·         પાલન અહેવાલ: પ્રથમ અપીલ અધિકારીને આગામી ચાર અઠવાડિયાની અંદર આ આદેશ પર શું કાર્યવાહી થઈ તેનો રિપોર્ટ કમિશન સમક્ષ રજૂ કરવાનો આદેશ અપાયો છે. આ નિર્ણયથી ભવિષ્યમાં બોર્ડના પરિણામો અને આન્સર-શીટ મેળવવામાં પારદર્શિતા આવશે.

(8:13 PM IST)