News of Tuesday, 15th September 2026
રેલિંગમાં ફસાયેલી ગાય માટે દેવદૂત બન્યો CISFનો જવાન: મહામહેનતે જીવ બચાવતો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!
દિલ્હીમાં અબોલ જીવની મદદ માટે સીઆઈએસએફ જવાને દાખવી અપ્રતિમ સંવેદનશીલતા; ૨૯ સેકન્ડના વાયરલ વિડીયોએ લાખો લોકોના દિલ જીત્યા

નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં સુરક્ષા ફરજ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ના એક જવાને પોતાની અનોખી દરિયાદિલી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોરાકની શોધમાં લોખંડની મજબૂત રેલિંગ વચ્ચે પોતાનું માથું ફસાવી બેઠેલી અને પીડાથી તરફડતી એક લાચાર ગાય માટે આ જવાન તારણહાર સાબિત થયો હતો. જવાનની આ ત્વરિત સૂઝબૂઝ અને અબોલ જીવ પ્રત્યેની દયાભાવનાનો ૨૯ સેકન્ડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટના ત્યારે ઘટી જ્યારે એક ગાય ખોરાકની શોધમાં લોખંડના દરવાજાની મોટી રેલિંગ વચ્ચે માથું ઘૂસાડી બેઠી હતી. માથું અંદર તો જતું રહ્યું પણ બહાર કાઢતી વખતે ગાય બરાબરની ફસાઈ ગઈ હતી. અસહ્ય પીડા અને ડરના કારણે ગાય ભારે તરફડિયાં મારી રહી હતી. આ જ સમયે નજીકમાં તૈનાત સીઆઈએસએફના જવાનની નજર લાચાર ગાય પર પડી હતી. ગાયને સહેજ પણ ઈજા ન પહોંચે અને તે વધુ ગભરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીને જવાને અત્યંત ધીરજ અને સાવધાનીપૂર્વક ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે રેલિંગમાંથી મુક્ત કરાવી હતી.
આ હૃદયસ્પર્શી ઘટનાનો વીડિયો CISF એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કર્યો હતો. આ અંગે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, આ બચાવકાર્ય સીઆઈએસએફની સંવેદનશીલતા, કાળજી અને જરૂરિયાતમંદ દરેક જીવ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ અને સામાન્ય લોકો આ અબોલ પશુનો જીવ બચાવનાર CISF જવાનની ખુલ્લા મનથી સરાહના કરી રહ્યા છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
