તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
AI-જનરેટેડ ચુકાદાઓ ટાંકવા ઝેરી ગેસ છોડવા જેવું ઘાતકઃ સુપ્રીમ કોર્ટ
AI ચુકાદાનો ઉપયોગ વકીલ અને જજ બંને માટે ગંભીર ભૂલ ગણાશેઃ NCLTના આદેશને રદ કર્યો

નવી દિલ્હી,તા.૦૪: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા જનરેટ કરાયેલા ખોટા અને ભ્રામક ચુકાદાનો કોર્ટમાં ઉપયોગ થવા અંગે ગંભીર ચિતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે AIએ જનરેટ કરેલા ચુકાદાઓને ચકાસણી વગર કોર્ટમાં એક ઉદાહરણ તરીકે રજૂ કરવા અથવા તેના પર આધાર રાખવા સામે ઝીરો ટોલેરન્સ નીતિ આવશ્યક છે. એઆઇ ચુકાદા કોર્ટમાં ટાંકવા વકીલ માટે વ્યાવસાયિક ગેરવર્તણૂક ગણાશે. જો ન્યાયાધીશ પણ ભ્રામક AI-જનરેટેડ ચુકાદાઓ પર આધાર રાખીને નિર્ણય આપે તો તે પણ અત્યંત ગંભીર ભૂલ છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના એક ચુકાદાને રદ કરતાં ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાના ક્ષેત્રમાં ખોટી, અસ્તિત્વમાં ન હોય તેવી અને AI દ્વારા ઘડાયેલી સામગ્રીનો ઉપયોગ કરવો એ કાયદા અને ન્યાયની દુનિયામાં ઝેરી મિથાઈલ આઇસોસાયનેટ ગેસ છોડવા જેવું છે. આવી સામગ્રી માત્ર ન્યાયિક પ્રક્રિયાને પ્રદૂષિત જ કરતી નથી, પરંતુ ન્યાય વ્યવસ્થાના મૂળભૂત આધારને પણ નષ્ટ કરે છે.
આ મામલો એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સની નાદારી કાર્યવાહી સંબંધિત હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે NCLTએ પોતાના ચુકાદામાં AI ટૂલ્સે જનરેટ કરેલા અસ્તિત્વમાં જ ન હોય એવા અને બનાવટી ચુકાદાઓનો આધાર લીધો હતો, તેથી તે નિર્ણય રદ કરવામાં આવે છે. સુપ્રીમે જણાવ્યું હતું કે જો નિર્ણય પ્રક્રિયામાં ખોટી અથવા AI દ્વારા ઘડાયેલી સામગ્રીનો એક અંશ પણ સામેલ થયો હોય, તો એવો નિર્ણય કાયદાની નજરે માન્ય ગણાવી શકાય નહીં અને તેને રદ કરવો જ પડશે, કારણ કે તે ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયિક નિર્ણયોની વિશ્વસનીયતા અને અખંડિતતા જાળવવી અત્યંત જરૂરી છે. તેથી વકીલો અને ન્યાયાધીશો બંને માટે આવા AI-જનરેટેડ અને ચકાસણી વગરના ખોટા ચુકાદાઓનો ઉપયોગ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)ને આ મુદ્દે નિષ્ણાત સમિતિ રચવાનો પણ આદેશ આપ્યો હતો. આ સમિતિ વકીલો દ્વારા AI-જનરેટેડ ચુકાદાઓ રજૂ કરવાની ઘટનાઓ પર વિચાર કરશે અને આવી ભૂલો અટકાવવા માટે માર્ગદર્શિકા તેમજ શિસ્તભંગની કાર્યવાહી અંગે નિયમો ઘડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે NCLTએ પોતાના નિર્ણયને સમર્થન આપવા માટે જે અનેક ‘ચુકાદાઓ'નો ઉલ્લેખ કર્યો હતો, તે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતાં. ઉદાહરણ તરીકે ચુકાદામાં ICICI બેન્ક વિ. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ (૨૦૧૯) અને સરબજીત સિહ વિરુદ્ધ યુનિયન બેંક (૨૦૨૨) જેવા કેસોનો ઉલ્લેખ કરાયો હતો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આવા કોઈ ચુકાદા ક્યારેય આપવામાં આવ્યાં ન હતાં.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
