<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ખેતીની જમીનની સીમા નક્કી કરવાનો કે માપણી કરવાનો અધિકાર સિવિલ કોર્ટને નથી પણ મહેસૂલી તંત્રને જ છે તેવો મહત્વનો વહિવટી આદેશ: એડવોકેટ કમિશનરના નકશા કે રિપોર્ટના આધારે જમીનની સરહદ નક્કી ન થઈ શકે તેવો અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો

​ખેતીવિષયક જમીનની હદ અને માપણી સંબંધિત વિવાદોમાં યુપી રેવન્યુ કોડની કલમ-૨૪ હેઠળ મહેસૂલી અધિકારીઓની પ્રક્રિયા જ આખરી ગણાય; નીચલી સિવિલ કોર્ટો અને પ્રથમ એપેલેટ કોર્ટના ચુકાદા રદ્દ કરી હાઈકોર્ટે અરજદારોને મહેસૂલી મંચ સમક્ષ દાદ માંગવાની સ્વતંત્રતા આપી

​હાથરસ / અલ્હાબાદ: ખેતીની જમીનની સીમા અને હદ નિશાની નક્કી કરવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠેરવ્યું છે કે જ્યારે બે અડીને આવેલી ખેતીની જમીનો વચ્ચે વાસ્તવિક વિવાદ જમીનની સીમા (બાઉન્ડ્રી) નક્કી કરવાનો હોય, ત્યારે સિવિલ કોર્ટ માત્ર એડવોકેટ કમિશનર અથવા અમીનના નકશા કે રિપોર્ટના આધારે તે સીમાનું નિર્ધારણ કરી શકે નહીં.

​ન્યાયમૂર્તિ અનિલ કુમાર-X ની સિંગલ બેન્ચે આ ચૂકાદો આપતા વિગતવાર નોંધ્યું હતું કે ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ, ૨૦૦૬ની કલમ-૨૪ હેઠળ ખેતીની જમીનનો સર્વે અને સીમાંકન (ડિમાર્કેશન) કરવા માટે એક વિશેષ અને વૈધાનિક કાનૂની વ્યવસ્થા ઘડવામાં આવેલી છે. આથી આવી જમીનની હદ અને માપણી નક્કી કરવાની સત્તા અને પ્રક્રિયા માત્ર ને માત્ર સક્ષમ મહેસૂલી સત્તામંડળ (રેવન્યુ ઓથોરિટી) પાસે જ રહેલી છે.

​આ કેસની વિગતવાર પૃષ્ઠભૂમિ મુજબ, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મૌજા શેરપુર ગામમાં આવેલી ખેતીની જમીન અંગે વર્ષ ૨૦૦૧થી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. વાદીઓએ ખસરા નંબર ૮૧૫ ની આશરે ૦.૬૦ એકર જમીન પર કાયમી મનાઈહુકમ (સ્ટે) મેળવવા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. વાદીઓનો આક્ષેપ હતો કે દક્ષિણ દિશામાં આવેલી ખસરા નંબર ૮૧૬ ના ખાતેદારો તેમની જમીનના ભાગ પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સામાપક્ષે પ્રતિવાદીઓએ એવો દાવો કર્યો હતો કે વાદીઓએ પોતાના ખસરા નંબર ૮૧૫ ની દક્ષિણ તરફની સીમા ખોટી રીતે દર્શાવી છે અને તેમાં ખસરા નંબર ૮૧૬ તેમજ ૮૧૭ ની જમીનનો કેટલોક ભાગ વગર હક્કે દબાવી દીધો છે.

​વર્ષ ૨૦૨૩માં નીચલી ટ્રાયલ કોર્ટે વાદીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને પ્લેન્ટ મેપ, મહેસૂલી નકશા તથા અમીનના રિપોર્ટને આધારે જમીનની લંબાઈ-પહોળાઈ અને સીમાઓ નક્કી કરી આપી હતી. ત્યારબાદ પ્રથમ એપેલેટ કોર્ટે પણ આ ચૂકાદો બહાલ રાખ્યો હતો. આ નિર્ણયથી નારાજ થઈને પ્રતિવાદીઓએ અલ્હાબાદ હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ દાખલ કરી હતી. તેઓની મુખ્ય દલીલ એ હતી કે મૂળ વિવાદ સ્ટે મેળવવાનો નહીં પરંતુ ખેતીની જમીનનું સીમાંકન કરવાનો છે, જે નિર્ણય કરવાનો અધિકાર માત્ર રેવન્યુ ઓથોરિટીને જ છે.

​અપીલની સુનાવણી બાદ હાઈકોર્ટે નીચલી અદાલતોના વલણ અંગે કડક અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર દાવાને 'મનાઈહુકમ' (ઈનજંક્શન) નો કેસ ગણાવી દેવાથી સિવિલ કોર્ટને ખેતીની જમીનની સીમા નક્કી કરવાનો કાનૂની અધિકાર મળી જતો નથી. જ્યારે ખેતર કે ગાટા નંબર અંગે કોઈ વિવાદ ન હોય પરંતુ તે ગાટામાં આવતી વાસ્તવિક જમીનનું ક્ષેત્રફળ અથવા સીમા વિવાદાસ્પદ હોય, ત્યારે તે મૂળભૂત રીતે સીમાંકનનો જ કેસ બને છે.

​હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે અમીન કે એડવોકેટ કમિશનરનો રિપોર્ટ કોર્ટમાં માત્ર એક પુરાવા (એવિડન્સ) તરીકે જોઈ શકાય છે, પરંતુ તે રેવન્યુ ઓથોરિટી દ્વારા કરવામાં આવતા કાયદાકીય સર્વે અને સીમાંકનનો વિકલ્પ ક્યારેય બની શકે નહીં. નીચલી અદાલતોએ જમીનનું માપ અને સરહદો નક્કી કરીને પરોક્ષ રીતે સીમાંકન જ કરી દીધું હતું, જે તેમના અધિકારક્ષેત્ર બહારનું હતું.

​આ તમામ તથ્યોને ધ્યાને રાખી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ અને પ્રથમ એપેલેટ કોર્ટ બંનેના આદેશો રદ્દ કરી દીધા હતા અને પ્રતિવાદીઓની અપીલ મંજૂર કરી હતી. સાથે જ હાઈકોર્ટે અરજદારોને ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ હેઠળ સક્ષમ મહેસૂલી મંચ સમક્ષ નિયમાનુસાર સીમાંકન માટે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

(4:41 PM IST)