તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
CJI ની 'કોકરોચ' ટિપ્પણી પર દેશભરમાં ભારે હોબાળો: સોશિયલ મીડિયા પર બની ‘કોકરોચ જનતા પાર્ટી’, તૃણમૂલના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ જોડાયા!
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત સામેના આક્રોશ વચ્ચે X પર શરૂ થયેલો મોરચો ૨૪ કલાકમાં જબરદસ્ત વાયરલ; ૪૦,૦૦૦ યુઝર્સ સભ્યો બન્યા, વિવાદ વધતાં જસ્ટિસે આપી સત્તાવાર સ્પષ્ટતા

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્ત દ્વારા કોર્ટની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીએ દેશના રાજકારણ અને ડિજિટલ સ્પેસમાં એક નવું વાવાઝોડું ફૂંક્યું છે. સીજીઆઈ દ્વારા દેશના કેટલાક યુવાનોની સરખામણી 'વંદા' (કોકરોચ) સાથે કરાયા બાદ તેના વિરોધમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાતોરાત એક વ્યંગાત્મક અને બિનસત્તાવાર મોરચો 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) અસ્તિત્વમાં આવ્યો છે. આ ઓનલાઇન મોરચો એટલો વાયરલ થયો છે કે સામાન્ય યુવાનોની સાથે હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રખ્યાત સાંસદ મહુઆ મોઇત્રા અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ પણ સત્તાવાર રીતે આ 'પાર્ટી' માં જોડાઈ ગયા છે.
ભર કોર્ટમાં સીજીઆઈએ શું કહ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે?
આ સમગ્ર વિવાદ ગયા અઠવાડિયે સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન શરૂ થયો હતો. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કથિત રીતે મૌખિક અવલોકન કરતાં કહ્યું હતું કે, "દેશમાં વંદા (કોકરોચ) જેવા યુવાનો છે જેમને કોઈ રોજગાર મળતો નથી કે વ્યવસાયમાં કોઈ સ્થાન મળતું નથી. તેમાંથી કેટલાક મીડિયા બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા કે આરટીઆઈ (RTI) કાર્યકર્તા બની જાય છે અને તેઓ બધા પર હુમલો કરવાનું શરૂ કરે છે." દેશના સર્વોચ્ચ ન્યાયાધીશના મોઢે યુવાનો માટે આવા શબ્દો સાંભળીને સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
શૂન્ય સ્પોન્સર અને 'આળસુઓનો અવાજ': જાણો શું છે આ CJP?
CJI ની ટિપ્પણીના કટાક્ષમાં જન્મેલી 'કોકરોચ જનતા પાર્ટી' એ કોઈ અસલી રાજકીય પક્ષ નથી, પરંતુ એક ઓનલાઇન પેરોડી એકાઉન્ટ છે. તેના બાયોમાં પક્ષને "યુવાનોનો રાજકીય મોરચો, યુવાનો દ્વારા, યુવાનો માટે. ધર્મનિરપેક્ષ - સમાજવાદી - લોકશાહી - આળસુ" તરીકે ઓળખાવવામાં આવ્યો છે. લોન્ચ થયાના ૨૪ કલાકમાં જ આ પેજને ૧૫,૦૦0 થી વધુ લોકોએ ફોલો કર્યું હતું અને જોતજોતામાં ૪૦,૦૦0 લોકો તેના સભ્યો બની ગયા છે. આ મોરચો પોતાને 'સિસ્ટમ દ્વારા ભુલાઈ ગયેલા બેરોજગારો અને આળસુઓનો અવાજ' ગણાવે છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતના બંધારણમાં દ્રઢપણે માને છે.
તંત્રની મજાક ઉડાવતા આ ગ્રુપે સભ્ય બનવા માટે અનોખી પાત્રતા (Eligibility) જાહેર કરી છે:
- બેરોજગાર: મજબૂરીથી, પસંદગીથી કે સિદ્ધાંતથી – ગમે તેમ હોય, અમે પ્રશ્ન નહીં પૂછીએ.
- આળસુ: માત્ર શારીરિક રીતે, મગજ ગમે તેટલું દોડતું હોવું જોઈએ.
- લાંબા સમય સુધી ઓનલાઇન: બાથરૂમ બ્રેક સહિત દિવસમાં ઓછામાં ઓછા ૧૧ કલાક ઇન્ટરનેટ પર હોવા અનિવાર્ય છે.
- વ્યાવસાયિક બડબડાટ (Rant): પ્રભાવશાળી અને તીક્ષ્ણ રીતે સોશિયલ મીડિયા પર લખતા આવડવું જોઈએ.
કીર્તિ આઝાદ અને મહુઆ મોઇત્રાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
રવિવારે ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને પૂર્વ ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર કીર્તિ આઝાદે જાહેરમાં આ પક્ષમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કીર્તિ આઝાદે પૂછ્યું કે, "જોડાવા માટે કઈ લાયકાત જોઈએ?" ત્યારે સીજીપીએ વળતો જવાબ આપ્યો કે, "તમે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યા છો, તે જ અમારા માટે સૌથી મોટી લાયકાત છે."
બીજી તરફ મહુઆ મોઇત્રાએ કટાક્ષ કરતા લખ્યું કે, "હું પણ સભ્ય બનવા માંગું છું." ડિજિટલ સેનાએ તેમનું સ્વાગત કરતા કહ્યું કે, "તમે લોકશાહીના અસલી ફાઇટર છો, તમારું સ્વાગત છે." આ નેતાઓની એન્ટ્રીથી આ ઓનલાઇન વિરોધ પ્રદર્શનને રાષ્ટ્રીય સ્તરે મોટી હેડલાઇન્સ મળી ગઈ છે.
ચારેતરફથી ઘેરાયેલા ચીફ જસ્ટિસે આપી સફાઈ: "મારી ટિપ્પણી ખોટી રીતે રજૂ કરાઈ"
ચોમેરથી થઈ રહેલી આકરી ટીકાઓ અને ટીએમસી નેતાઓના હુમલા બાદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા જારી કરવી પડી છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે મીડિયાના એક વર્ગે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું છે.
CJI એ સ્પષ્ટતા કરી કે, "મારી ટિપ્પણી દેશના મહેનતુ યુવાનો પર નહોતી. મેં તો માત્ર એવા તત્વોની ટીકા કરી હતી જેઓ નકલી અને બોગસ ડિગ્રીઓની મદદથી કાનૂની વ્યવસાય (બાર કાઉન્સિલ), મીડિયા કે સોશિયલ મીડિયામાં ઘૂસી ગયા છે અને પરોપજીવીની જેમ કામ કરે છે." તેમણે ઉમેર્યું કે દેશના બેરોજગાર યુવાનોની ટીકા કરવાનો અહેવાલ પાયાવિહોણો છે અને ભારતનો દરેક યુવાન તેમના માટે પ્રેરણારૂપ છે. જો કે, સીજીઆઈની આ સફાઈ છતાં સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' નો ટ્રેન્ડ હજુ પણ જોરશોરથી ચાલી રહ્યો છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
