News of Sunday, 27th September 2026
આસામ પોલિસની અચાનક કાર્યવાહીથી ઉત્તેજના: ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંયોજક આશુતોષ રાંકા અને તેમની સમગ્ર ટીમની અટકાયત; અજ્ઞાત સ્થળે લઈ જવાયા
રાજ્યમાં સ્વયંસેવકોની બેઠક યોજવા પહોંચેલા CJP નેતાઓ સામે પોલિસી પગલું ભરાતાં વિવાદ સપાટી પર: "શાળાઓની બદહાલ સ્થિતિ અને કાઝીરંગામાં જમીન-જંગલો કોર્પોરેટ્સને આપવાનું સત્ય બહાર ન આવે તે માટે હિમંત બિસ્વા સરમા સરકાર ડરી ગઈ છે" તેવા રાંકાના આક્ષેપ

ગુવાહાટી: અસમની રાજધાની ગુવાહાટીમાં પોલિસે મોટી કાર્યવાહી કરીને કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંયોજક આશુતોષ રાંકા તથા તેમની ટીમની અટકાયત કરી લીધી છે. CJP ના નેતાઓ આસામમાં પોતાના સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) સાથે એક નાની સમીક્ષા બેઠક યોજવા માટે એકઠા થયા હતા, તે જ સમયે પોલિસે તેમની અટકાયત કરીને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે આસામના રાજકારણમાં ભારે ચર્ચા અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે.
પોલિસ અટકાયત દરમિયાન આશુતોષ રાંકાએ અસમ સરકાર અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા એ વાતથી ડરી ગયા છે કે જો અમે અસમની સરકારી શાળાઓની વાસ્તવિક અને કથળેલી પરિસ્થિતિ દેશની સામે લાવીશું, તો આખા દેશને તેમની વાસ્તવિકતાની ખબર પડી જશે." વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કાઝીરંગા વિસ્તારમાં સ્થાનિક લોકોના હકો છીનવીને ત્યાંની જમીન, જંગલો અને જળ સંસાધનો મોટા કોર્પોરેટ ગૃહોને સોંપી દેવામાં આવી રહ્યા છે, જેને CJP ખુલ્લું પાડી રહી હોવાથી સરકાર ગભરાઈ ગઈ છે અને પોલિસને આગળ ધરી રહી છે.
બીજી તરફ, CJP ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને પોલિસની આ કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આશુતોષ રાંકા અને CJP ની ટીમ અસમમાં માત્ર એક નાની સ્વયંસેવક બેઠક માટે ગઈ હતી, પરંતુ આસામ પોલિસે તેમની અટકાયત કરી લીધી છે અને તેમને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે.
અભિજીત દીપકે વધુમાં ગંભીર આક્ષેપ કરતા લખ્યું હતું કે, જ્યાં આશુતોષ રાંકા અને તેમની ટીમને અટકાયતમાં રાખવામાં આવ્યા છે તે સ્થળની બહાર તેમના વકીલો હાજર છે અને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલિસ કાયદાકીય મદદ આપવા માટે વકીલોને પણ અંદર જવાની પરવાનગી આપી રહી નથી.
ઉલ્લેખનીય છે કે CJP દ્વારા વિવિધ રાજ્યોમાં શિક્ષણ, શાળાઓની સ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગુવાહાટીમાં બનેલી આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને સંગઠન દ્વારા પોલિસ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
