<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા કસ્ટડીમાંથી મુક્ત :જાણો કઈ શરતે મળ્યા જામીન :શું આપી બાહેંધરી

દિલ્હી પોલીસે ન્યાયિક કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવા માંગણી કરી પરંતુ અદાલતે પોલીસની તે રજૂઆત ફગાવી દઈને શરતોને આધીન જેલમુક્તિ આપી

કોકરોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અદાલતે 21 ઓક્ટોબરે બંને નેતાઓને તિહાર જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે તેમની ન્યાયિક કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવા માંગણી કરી હતી, પરંતુ અદાલતે પોલીસની તે રજૂઆત ફગાવી દઈને શરતોને આધીન જેલમુક્તિ આપી છે.

 

આ બંને નેતાઓને 13 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે પરવાનગી વિના પ્રદર્શન કરવા, બેરિકેડિંગ તોડી પ્રવેશવા તેમજ અગાઉ આપેલા શાંતિ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 14 ઓક્ટોબરે એસઈએમ કોર્ટે બંનેને પાંચ દિવસ માટે તિહાર જેલ મોકલી આપ્યા હતા. બાદમાં 19 ઓક્ટોબરે તેમની કસ્ટડીમાં વધુ બે દિવસનો વધારો કરાયો હતો, જે મુદત 21 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહી હતી. મુદત પૂરી થતાં પોલીસે ફરીથી ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે જામીનદાર રજૂ થતાં અને લેખિત ખાતરી મળ્યા બાદ આગળની કસ્ટડીની કોઈ જરૂર ન જણાતાં મુક્તિનો આદેશ કર્યો હતો.

 

કોર્ટે બંને નેતાઓ માટે રૂ. 50-50 હજારના અંગત મુચરકા, જામીનદાર રજૂ કરવા, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા તથા જ્યાં સુધી કાયદેસર મંજૂરી ન મળે ત્યાં સુધી જંતર-મંતર પર આંદોલન ન બોલાવવાની શરતો રાખી છે. 

 

બંને નેતાઓએ ભવિષ્યમાં બંધારણના દાયરામાં જ પ્રદર્શન કરવાની બાંહેધરી આપી છે. અગાઉ બંને નેતાઓએ હાઇકોર્ટમાં કસ્ટડી સામે અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે એસઈએમ કોર્ટની કાર્યવાહીની રાહ જોવા જણાવતાં અરજી પાછી ખેંચી લીધી હતી. આ સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળવાની ઘટના સામે આવતાં પોલીસે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમણે દરેક તારીખે હાજર રહેવું પડશે અને પોલીસે જામીનદારોનો તપાસ અહેવાલ રજૂ કરવો પડશે. આ આદેશ માત્ર કસ્ટડીમાંથી મુક્તિ છે, તેઓ નિર્દોષ છૂટ્યા નથી. આગામી સુનાવણી 23 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 3 વાગ્યે થશે. 

 

(10:03 PM IST)