હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી હાઈકોર્ટની સખત ટિપ્પણી બાદ CJP નેતાઓની અરજી પાછી ખેંચાઈ: જસ્ટિસ પ્રસાદે કહ્યું- "એવા પરિણામો ભોગવવા પડશે જે ક્યારેય બદલી નહીં શકાય"
જંતર-મંતર પર તિરંગો ફરકાવ્યા બાદ અટકાયતમાં લેવાયેલા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી મામલે હાઈકોર્ટ લાલઘૂમ, કાયદાકીય પ્રક્રિયા છોડીને સીધા અદાલતમાં દોડી આવવા બદલ ફટકાર લગાવી.

નવી દિલ્હી, તા.21: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના અગ્રણી નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવાના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) ના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં કરાયેલી તાકીદની અરજી પર અદાલતે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે સીજેપી નેતાઓને યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને અનુસરવા સલાહ આપતા ફટકાર લગાવી હતી. હાઈકોર્ટના આકર વલણને પગલે નેતાઓના વકીલે હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી છે.
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે ગત ૧૩ ઓક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યા બાદ દિલ્હી પોલીસે શાંતિ ભંગ થવાની આશંકાએ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી હતી. ત્યારબાદ એસઇએમ કોર્ટે ૧૫ ઓક્ટોબરે તેમને પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતા અને સોમવાર, ૧૯ ઓક્ટોબરે તેમની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. દસહરાની રજાઓ હોવા છતાં સીજેપી નેતાઓએ કસ્ટડીના આદેશને પડકારતાં હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી માટે દાદ માંગી હતી.
બુધવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સીજેપી નેતાઓ તરફથી ઉપસ્થિત રહેલા એડવોકેટ અભિક ચિમિનીએ દલીલ કરી હતી કે એસઇએમ પાસે કસ્ટડી લંબાવવાની સત્તા નહોતી અને આ નિર્ણય તેમના અસીલોના મૂળભૂત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. જોકે, હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દેતાં આકરું વલણ અપનાવ્યું હતું.
જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સખત ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "આ સૌરવ અને આશુતોષ દ્વારા કરવામાં આવેલી બીજી ઘટના છે. તમે અગાઉ પણ બોન્ડ તોડી ચૂક્યા છો. જ્યારે ટ્રાયલ કોર્ટમાં બપોરે સુનાવણી નિયત જ છે, તો કાયદાકીય પ્રક્રિયા ટાળીને અહીં ભાગીને આવવાની શું જરૂર છે? શાંતિ અને વ્યવસ્થાનો ભંગ થવાની આશંકા હોય ત્યારે અધિકારીઓને સખતાઈ વર્તવાનો સંપૂર્ણ અધિકાર છે."
સુનાવણી દરમિયાન નેતાઓની ઉંમર (સૌરવ ૨૭ વર્ષ અને આશુતોષ ૩૨ વર્ષ) નો ઉલ્લેખ થતાં કોર્ટે રસપ્રદ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "તમે લોકો Gen-Z નથી, કારણ કે જેન-જી નો અર્થ ૧૯૯૭ પછી જન્મેલા લોકો થાય છે." અદાલતે સ્પષ્ટ કર્યું કે રિટ પિટિશનને બદલે નીચલી કોર્ટના આદેશ સામે ઉપલબ્ધ અન્ય સુધારાત્મક કાયદાકીય માર્ગો અપનાવવા જોઈએ.
અદાલતના સખત વલણ અને ટિપ્પણીઓ બાદ એડવોકેટ અભિક ચિમિનીએ અરજી પરત ખેંચવાની માંગ કરી હતી, જેને હાઈકોર્ટે મંજૂર કરી હતી. હવે સીજેપી નેતાઓ એસઇએમ કોર્ટના નિર્ણય બાદ આગળના કાયદાકીય વિકલ્પો પર વિચારણા કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
