તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકા તિહાડ જેલમાં: અભિજીત દીપકેને શરતી જામીન
શાંતિ જાળવવાના બોન્ડનો ભંગ કરવાના આરોપે બંને નેતાઓને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી; નવા વિરોધમાં સક્રિય રીતે સામેલ ન હોવાથી દીપકેને મળી રાહત

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા છે. બીજી તરફ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
દાસ અને રાંકા પર પોલીસના પ્રતિબંધનો ભંગ કરીને જંતર-મંતર ખાતે પ્રવેશવા, બેરિકેડ પાર કરવા, સરકારી કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ છે. બંને નેતાઓએ અગાઉ એક વર્ષ સુધી શાંતિ જાળવવા માટે રૂ. 50 હજારનો બોન્ડ ભર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે ફરી વિરોધમાં ભાગ લઈને આ બોન્ડની શરતોનો ભંગ કર્યો છે. આ કારણસર SEM કોર્ટે તેમને પાંચ દિવસ માટે તિહાડ જેલ મોકલ્યા હતા.
દરમિયાન, દાસ અને રાંકાની મુક્તિની માગ સાથે CJPએ દિલ્હીના કનોટ પ્લેસમાં ‘લહેરા દો તિરંગા’ માર્ચનું આહ્વાન કર્યું હતું. પ્રતિબંધાત્મક આદેશ લાગુ હોવા છતાં માર્ચ કાઢવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે અભિજીત દીપકેની અટકાયત કરી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
દીપકે તિહાડ જવાથી કેમ બચ્યા?
દાસ અને રાંકા સામે પહેલેથી ભરેલા શાંતિ બોન્ડનો ભંગ કરીને પ્રતિબંધિત સ્થળે પ્રવેશવાનો આરોપ હતો. જ્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે દીપકે માર્ચમાં સક્રિય રીતે સામેલ થયા નહોતા અને તેમની સામે એવો સીધો ભંગ સાબિત થયો નહોતો. તેથી કોર્ટે તેમને રૂ. 50 હજારનો નવો શાંતિ બોન્ડ ભરવા અને જાહેર શાંતિ જાળવવાની શરતે મુક્ત કર્યા હતા. આ કાયદાકીય તફાવતને કારણે દાસ અને રાંકાને જેલ મોકલાયા, જ્યારે દીપકે તિહાડ જવાથી બચી ગયા.
મુક્તિ બાદ દીપકેએ જણાવ્યું હતું કે પાર્ટી હવે ફરી સંગઠિત થઈ આગળની રણનીતિ નક્કી કરશે. સાથે જ દાસ અને રાંકાની મુક્તિ માટે જરૂરી કાયદાકીય પગલાં ભરવાની વાત પણ CJP દ્વારા કરવામાં આવી છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
