<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

'ઈન્ડિયા' ગઠબંધનની મહારેલી પહેલા સીજેપીનો મોટો નિર્ણય: આંદોલનને સમર્થન, પરંતુ મંચ પર નહીં જોડાય

મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અભિજિત દીપકેએ કરી સ્પષ્ટતા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ઓળખ જાળવી રાખવા લીધો મહત્વનો રાજકીય નિર્ણય

નવી દિલ્હી:રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ૧ નવેમ્બરના રોજ યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA) ની વિશાળ મહારેલી પહેલાં રાજકીય પટલ પર એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ચૂંટણી પંચ અને કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ નવી દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ CJP એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિપક્ષના વિરોધ પ્રદર્શન અને આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ રવિવારે રામલીલા મેદાનમાં રાજકીય પક્ષોના મુખ્ય મંચ પર સામેલ થશે નહીં.

મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં દીપકેએ જણાવ્યું હતું કે, જ્યારે જંતર-મંતર પર NEET પેપર લીક સામે તેમનું પ્રથમ આંદોલન શરૂ થયું હતું અને દિલ્હી પોલીસ દ્વારા તેમના સાથીઓની અટકાયત કરાઈ હતી, ત્યારે મમતા બેનર્જીએ યુવાનોને પૂરેપૂરું સમર્થન આપ્યું હતું. આથી તેઓ માત્ર તેમનો આભાર માનવા આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે CJP એક સ્વતંત્ર સંગઠન અને નિષ્પક્ષ પ્લેટફોર્મ છે. આ લડાઈ કોઈ એક સંગઠનની નથી અને કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ લડનારા દરેક જૂથને CJP સમર્થન આપતી રહેશે.

દિલ્હી પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ CJP અને યુવાનોના પ્રયાસોની ખુલ્લી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યુવાનોએ રવિવારની રેલીને પોતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે અને તેઓ પણ યુવાનોને પૂરો સહયોગ આપે છે. ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા સામે ચાલી રહેલા આ આંદોલનના જનક CJP ના આ યુવાનો જ છે અને તેમને તેમના પર ખૂબ ગર્વ છે. આ સાથે જ મમતા બેનર્જીએ CJP ની ટીમને પશ્ચિમ બંગાળ આવીને પોતાના કાર્યક્રમો યોજવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું.

NEET આંદોલનથી લઈને ચૂંટણી પંચ વિરોધી પ્રદર્શનો સુધી યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થયેલા CJP નો આ નિર્ણય રાજકીય રીતે અગત્યનો માનવામાં આવે છે. રામલીલા મેદાનની રેલીમાં મુખ્ય વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામા અને 'વોટ ચોરી' નો મુદ્દો ઉઠાવી રહ્યા છે. રાજકીય મંચ શેર ન કરીને CJP એ પોતાની યુવા-આધારિત અને બિન-રાજકીય ઓળખ જાળવી રાખવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સ્તરે તેમજ પશ્ચિમ બંગાળમાં આ યુવા સંગઠનની પ્રવૃત્તિઓ કઈ દિશામાં આગળ વધશે તેના પર સૌની નજર રહેશે.

(11:02 AM IST)