<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

CJPના તીવ્ર વિરોધ અને મત ચોરીના આક્ષેપો વચ્‍ચે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : ફોર્મ-૭ અંગે જારી કરી નવી કડક માર્ગદર્શિકા!

મતદાર યાદીમાંથી બોગસ રીતે નામો રદ કરાવવાના ખેલ પર લગામ કસવા પંચનો આદેશ : એક વ્‍યક્‍તિ હવે મહત્તમ ૧૦ જ વાંધા અરજી દાખલ કરી શકશે!

નવી દિલ્‍હી, તા.૧૦: કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેશભરમાં કરવામાં આવી રહેલા તીવ્ર વિરોધ પ્રદર્શન અને મતદાર યાદીઓમાંથી ગેરકાયદેસર રીતે નામો રદ કરી મત ચોરી કરવાના ગંભીર આરોપો વચ્‍ચે ભારતીય ચૂંટણી પંચે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. દેશમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે ત્‍યારે પંચે મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે વપરાતા ફોર્મ-૭ અંગે નવી સ્‍પષ્ટ અને કડક માર્ગદર્શિકા જારી કરી દીધી છે. આ નિર્ણયથી બલ્‍ક અરજીઓ દ્વારા મતદાર યાદીમાં ચેડાં કરવાના ખેલ પર સીધો સકંજો કસાશે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, કોઈપણ એક મતદાર સમગ્ર દાવા અને વાંધા સબમિટ કરવાના સમયગાળા દરમિયાન ફોર્મ-૭ હેઠળ વધુમાં વધુ ૧૦ અરજીઓ જ દાખલ કરી શકશે. આ ઉપરાંત, મતદાર યાદીના ચાલુ અપડેટ (નિયમિત સુધારણા) સમયગાળા દરમિયાન દર મહિને પ્રત્‍યેક વ્‍યક્‍તિ દીઠ માત્ર પાંચ અરજીઓની જ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પંચના આ આકરા વલણથી વિના કારણ કે ખોટી રીતે બલ્‍કમાં વાંધા અરજીઓ કરીને સામાન્‍ય મતદારોને પરેશાન કરવાના પ્રયાસો પર પૂર્ણવિરામ લાગશે.

પંચે સ્‍પષ્ટ કર્યું છે કે આ નવી સીમા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની અરજીઓ પર એકસમાન રીતે લાગુ થશે. આ સિવાય, જો કોઈ અરજી અપૂર્ણ હશે અથવા તો તેમાં અરજદારની મૂળ ભૌતિક સહીના બદલે ડિજિટલ કે સ્‍ટેમ્‍પ વાપરેલો હશે તો તેને સીધી જ રદ કરવામાં આવશે. પંચના આ નિર્ણયથી એક તરફ CJP અને વિપક્ષી દળો દ્વારા કરવામાં આવતા આક્ષેપો પર અંકુશ આવશે, તો બીજી તરફ ક્ષેત્ર-સ્‍તરીય ચૂંટણી અધિકારીઓ પણ બિનજરૂરી બોજમાંથી મુક્‍ત થશે અને મતદાર યાદીની પારદર્શિતા જળવાઈ રહેશે.

(3:25 PM IST)