<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજધાની દિલ્હીમાં વહેલી સવારે પોલીસ અને હત્યાના કેસના આરોપી વચ્ચે અથડામણઃ અમન ગુર્જરના પગમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં ખસેડાયો

ન્યૂ ઉસ્માનપુરના યમુના ખાદર વિસ્તારમાં પોલીસની સ્પેશિયલ ટીમની કાર્યવાહી : ડી કંપનીના શૂટર નસીમ દુર્રાની સાથે આરોપીના સંબંધ હોવાનો દાવો

નવી દિલ્હી, તા. ૨૬ : રાજધાની દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર પોલીસ સ્ટેશન નજીક યમુના ખાદર વિસ્તારમાં ઉત્તર-પૂર્વ દિલ્હીની પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ અને અમન ગુર્જર નામના આરોપી વચ્ચે અથડામણ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોલીસ પર ગોળીબાર કરતાં પોલીસે વળતી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતાં તેને સારવાર માટે જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વધુમાં પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર આરોપી અમન એક હત્યાના કેસમાં વોન્ટેડ હતો. કેટલાક અહેવાલોમાં તેનું નામ અમન ગાઝી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે ડી કંપનીના શૂટર ગણાતા નસીમ દુર્રાનીનો સાથી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા નસીમ દુર્રાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમનના કથિત અપરાધિક સંબંધો અને હત્યાના કેસમાં તેની ભૂમિકા અંગે વધુ સત્તાવાર વિગતોની પ્રતીક્ષા છે.

(9:40 AM IST)