તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Friday, 10th July 2026
૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં કાળનો પંજો: રાયનએર ફ્લાઈટની બારી તૂટતાં મુસાફર અડધો બહાર ખેંચાયો, પત્નીએ પગ પકડી રાખી યમરાજના મુખમાંથી બચાવ્યો!
ગ્રીસથી જર્મની જતી ફ્લાઈટમાં એન્જિનનો ટુકડો વાગતાં બારીના ચિથરા ઊડ્યા; કેબિનનું દબાણ ઘટતાં સર્બિયાના વૃદ્ધ પ્રવાસીનું માથું અને ખભા પ્લેનની બહાર નીકળ્યા, મુસાફરોની બહાદુરીથી ટળી મોટી દુર્ઘટના

એથેન્સ : હવામાં ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા એક મુસાફર વિમાનમાં મુસાફરો માટે મોત સાક્ષાત સામે આવીને ઊભું રહી ગયું હતું. ગ્રીસના થેસ્સાલોનિકીથી જર્મનીના મેમિંગેન જઈ રહેલી રાયનએર (Ryanair) એરલાઇનની ફ્લાઇટમાં મેસેડોનિયાની ઉપર હવામાં એકાએક વિમાનની બારી તૂટી પડી હતી. બારી તૂટતાં જ વિમાનની કેબિનની અંદર હવાનું દબાણ અત્યંત ઘટી ગયું હતું, જેના કારણે બારીની બાજુમાં જ બેઠેલા એક ૬૧ વર્ષીય વૃદ્ધ મુસાફર હવામાં બહારની તરફ ખેંચાવા લાગ્યા હતા. જોતજોતામાં તેમનું માથું અને ખભા પ્લેનની બહાર નીકળી ગયા હતા, પરંતુ તેમની બાજુમાં બેઠેલી પત્ની અને અન્ય મુસાફરોની સમયસૂચકતાના કારણે એક ચમત્કારિક બચાવ થયો હતો.
ટાયર ફાટવા જેવો જોરદાર ધડાકો અને ચીસાચીસ
વિમાનમાં સવાર એક મહિલા મુસાફરે સમગ્ર ભયાનક આપવીતી વર્ણવતા જણાવ્યું કે, "જ્યારે પ્લેન હવામાં હતું ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. અચાનક ટાયર ફાટવા જેવો એક જોરદાર અને કાન ફાડી નાખે તેવો ધડાકો થયો અને આખી ફ્લાઇટ ધ્રૂજી ઊઠી. તરત જ મુસાફરોની ચીસાચીસ સંભળાવવા લાગી અને વિમાનની અંદર ઓક્સિજન માસ્ક આપોઆપ નીચે આવી ગયા. કેબિનમાં એક તીવ્ર અજાણી ગંધ ફેલાઈ ગઈ હતી અને એક ક્ષણ માટે એવું લાગ્યું કે પ્લેનનો ઇમરજન્સી દરવાજો ખુલી ગયો છે."
પત્નીએ પગ પકડ્યા અને મુસાફરોએ જીવની બાજી લગાવી અંદર ખેંચ્યો
બારી તૂટવાના કારણે સર્જાયેલા ભારે વેક્યૂમને લીધે સર્બિયાના રહીશ એવા વૃદ્ધ મુસાફર બહાર તરફ ફેંકાઈ રહ્યા હતા. આ કટોકટીની પળે તેમની પત્નીએ અદ્ભુત હિંમત બતાવીને પતિના બંને પગ મજબૂતીથી પકડી રાખ્યા હતા. આ દ્રશ્ય જોઈને આસપાસના અન્ય મુસાફરો પણ તાત્કાલિક મદદે દોડ્યા હતા અને ભારે જહેમત બાદ એ વૃદ્ધને પ્લેનની અંદર પાછા ખેંચી લીધા હતા. સદનસીબે મુસાફરે સીટ બેલ્ટ બાંધેલો હોવાથી તેઓ સંપૂર્ણ બહાર ફેંકાઈ જતાં બચી ગયા હતા. જો કે, અત્યંત ઠંડી હવા અને ઘર્ષણને કારણે પ્રવાસીને દાઝી જવાની ઇજાઓ (Frostbite/Burns) થઈ હતી.
એન્જિનનો ટુકડો અથડાવાની શંકા, પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ
ગ્રીક મીડિયાના અહેવાલો અનુસાર, વિમાનના એન્જિનનો કોઈ મટીરિયલનો ટુકડો હવામાં છૂટો પડીને બારી સાથે અથડાયો હોવાની આશંકા છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પાયલટે પ્લેનને તાત્કાલિક ગ્રીસના થેસ્સાલોનિકી એરપોર્ટ તરફ વાળી દીધું હતું અને વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. તમામ મુસાફરોને ટર્મિનલ પર સુરક્ષિત લઈ જવાયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રાયનએર કંપનીએ અન્ય મુસાફરોને જર્મની મોકલવા માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી હતી અને આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
