<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

દુશ્મનના મેદાનો સાફ! ભારતીય સેનાની T-72 અને T-90 ટેન્કો હવે બનશે વધુ ઘાતક; ₹975 કરોડની 'TRAWL' સિસ્ટમનો સોદો

DRDOની સ્વદેશી ટેકનોલોજીથી લેન્ડમાઈન્સ હવે સેકન્ડોમાં થશે સાફ : 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ BEML સાથે મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી: ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સેનાની મુખ્ય લડાયક ટેન્કો, T-72 અને T-90 માટે 975 કરોડ રૂપિયાના ખર્ચે સ્વદેશી 'ટ્રોલ'  સિસ્ટમ ખરીદવાના સોદા પર મહોર મારવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ BEML અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ મળીને ભારતીય સેનાને એવી ટેકનોલોજી પૂરી પાડશે, જે યુદ્ધના મેદાનમાં બિછાવેલી જીવલેણ લેન્ડમાઈન્સને પલકવારમાં શોધી કાઢી તેનો નાશ કરશે. આ સોદો માત્ર સૈન્ય શક્તિ જ નહીં, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતાનું પણ પ્રતીક છે.

યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ અવારનવાર ટેન્કોની આગેકૂચ રોકવા માટે જમીનમાં સુરંગો  બિછાવતા હોય છે. ટ્રાવલ સિસ્ટમ એ ટેન્કના આગળના ભાગમાં લગાવવામાં આવતું એક અત્યંત મજબૂત લોખંડનું માળખું છે. જ્યારે ટેન્ક આગળ વધે છે, ત્યારે આ સિસ્ટમ જમીનને ખોદીને અથવા દબાણ આપીને છુપાયેલી ખાણોને બ્લાસ્ટ કરી દે છે, જેથી ટેન્ક અને તેની પાછળ આવતી સેના માટે એક સુરક્ષિત 'કોરિડોર' તૈયાર થાય છે. DRDO દ્વારા વિકસિત આ અદ્યતન સિસ્ટમ મુશ્કેલ ભૂપ્રદેશ, રાત્રિના અંધકાર કે ખરાબ હવામાનમાં પણ સચોટ રીતે કામ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ભારતીય ટેન્કોની ઝડપમાં કોઈ ઘટાડો થશે નહીં.

આ સોદો ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક બંને રીતે મહત્વનો છે. અગાઉ ભારતને આવી ટેકનોલોજી માટે રશિયા કે પશ્ચિમી દેશો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સ્વદેશી બનાવટની આ સિસ્ટમથી કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે. આ ઉપરાંત, સ્થાનિક MSME એકમોને મોટા ઓર્ડર મળતા રોજગારીની નવી તકો પણ ઉભી થશે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ સિસ્ટમની સફળતા બાદ ભારત ભવિષ્યમાં તેને મિત્ર દેશોમાં નિકાસ પણ કરી શકશે. હવે ભારતીય ટેન્કો દુશ્મનની જમીન પર કોઈ પણ ડર વગર ધસી જવા માટે સજ્જ છે.

(6:43 PM IST)