<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ભારતમાં આબોહવા પરિવર્તનનો કાળોકેર: માનવસર્જિત ભૂલોથી ૨ ડિગ્રી વધુ ગરમી વધી, તાપમાનનો પારો ૪૮ ડિગ્રીને પાર પહોંચતા ૪.૪ કરોડ લોકો અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિઓ જોખમમાં!

ક્લાઇમામીટર (ClimaMeter)ના ચોંકાવનારા રિપોર્ટમાં મોટો ખુલાસો; પાકિસ્તાન-રાજસ્થાનની ગરમ લૂ અને 'હોટ નાઇટ્સ' ના કારણે હીટસ્ટ્રોકના કેસોમાં ૪૦% નો ચિંતાજનક ઉછાળો

લખનૌ : સમગ્ર ભારતમાં ચાલુ વર્ષે ઉનાળાની સીઝનમાં અસહ્ય ગરમી અને હીટવેવ (Heatwave)ના કારણે હાહાકાર મચી ગયો છે. તાજેતરમાં જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ક્લાઇમામીટર' ના એક અત્યંત આઘાતજનક વિશ્લેષણ અનુસાર, ભારતમાં ૨૦૨૬ માં આવી રહેલી આ આંધળી ગરમી પાછળ કોઈ કુદરતી પરિબળ નહીં, પરંતુ સંપૂર્ણપણે માનવ-પ્રેરિત આબોહવા પરિવર્તન (Climate Change) જવાબદાર છે. અશ્મિભૂત ઇંધણ (કોલસો, પેટ્રોલ, ડીઝલ)ના અવિરત વપરાશને કારણે દેશનું વાતાવરણ પાછલા દાયકાઓ કરતાં સરેરાશ ૨ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ થઈ ગયું છે. આ ભયાનક સ્થિતિના કારણે દેશના આશરે ૪.૪ કરોડ (૪૪ મિલિયન) લોકોના સ્વાસ્થ્ય પર સીધું જોખમ ઊભું થયું છે અને ૩૪૧ અબજ ડોલરની આર્થિક પ્રવૃત્તિઓ રૂંધાઈ ગઈ છે.
હવામાન વિભાગ (IMD)ના સત્તાવાર આંકડાઓ મુજબ, એપ્રિલના અંતથી શરૂ થયેલો ગરમીનો આ પ્રકોપ મે મહિનામાં વધુ વિકરાળ બન્યો છે. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે, જે આ સીઝનનું દેશનું સૌથી ઊંચું તાપમાન છે. આ સિવાય દેશની રાજધાની દિલ્હી, અમદાવાદ અને લખનૌ જેવા મોટા મહાનગરોમાં પણ સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે, જે સામાન્ય સરેરાશ કરતાં ૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે. ગંભીર બાબત એ છે કે હવે માત્ર દિવસો જ નહીં, પરંતુ રાતનું તાપમાન પણ ૩૦ ડિગ્રીની આસપાસ રહેતા લોકોને ચોવીસે કલાક ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગરમ પવનો અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો અભાવ મુખ્ય કારણ
સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતના જણાવ્યા અનુસાર, ભારતીય મુખ્ય ભૂમિ પર કોઈ સક્રિય હવામાન સિસ્ટમ ન હોવાને કારણે પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનના રણમાંથી આવતા સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમ પવનો દેશમાં ઊંડે સુધી પ્રવેશી રહ્યા છે. સાંજના સમયે પ્રી-મોન્સૂન (ચોમાસા પહેલાની) પ્રવૃત્તિઓ બિલકુલ ન થવાને કારણે જમીન ઠંડી થઈ શકતી નથી, જેને લીધે 'ગરમ રાતો' (Warm Nights)નું જોખમ વધી રહ્યું છે. ડેટા અનુસાર, ભારતનું સરેરાશ રાત્રિનું તાપમાન દર દાયકામાં ૦.૨૧ ડિગ્રી સેલ્સિયસની ઝડપે વધી રહ્યું છે.
આ અસાધારણ હીટવેવના કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને દેશની હેલ્થકેર સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક, સનસ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીઓના કેસોમાં ૩૦ થી ૪૦ ટકાનો તોતિંગ વધારો થયો છે. ક્લાઇમેટ ટ્રેન્ડ્સના ડિરેક્ટર આરતી ખોસલાએ જણાવ્યું કે, ભારતમાં ગરમીનું સંકટ હવે માત્ર તાપમાન પૂરતું સીમિત નથી રહ્યું. વધતો ભેજ (જે ૨૦૨૦-૨૦૨૪ માં વધીને ૭૧.૨% થયો છે) અને ઝડપી શહેરીકરણના કારણે શહેરો 'હીટ આઇલેન્ડ' (ગરમીના જાળ) બની ગયા છે, જ્યાં ગ્રામીણ વિસ્તારો કરતાં ૨ થી ૧૦ ડિગ્રી વધુ ગરમી અનુભવાય છે.
બીજી તરફ, હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ પ્રદૂષણ અને બ્લેક કાર્બનને કારણે બરફ ઝડપથી પીગળી રહ્યો છે, જે પૃથ્વીની ગરમી શોષવાની ક્ષમતા વધારી રહ્યો છે. આબોહવા વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર તાત્કાલિક નિયંત્રણ નહીં મૂકવામાં આવે, તો આગામી વર્ષોમાં ભારતમાં ઉનાળો માત્ર આકરો નહીં પરંતુ સામાન્ય માનવી માટે અસહ્ય અને જીવલેણ બની જશે.

(8:45 PM IST)