<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભારતમાં આબોહવા પરિવર્તન દૂધ ઉત્‍પાદન સામે મોટો પડકાર

દૂધની માગ અને પૂરવઠા વચ્‍ચેના તફાવતમાં સતત વધારો : તાપમાનમાં વધારો થવાથી દૂધનું ઉત્‍પાદન ઘટયું: સંકટ સામે દેશી નસલ અને યોગ્‍ય પોષણ ડેરી ઉદ્યોગનું સુરક્ષા કવચ

નવી દિલ્‍હી તા.૩૦: ભારતમાં આબોહવા પરિવર્તનના જોખમોને કારણે દૂધની માગ અને પૂરવઠા વચ્‍ચેનો તફાવત સતત વધી રહ્યો છે. સીઆઈઆઈ ફૂડ અને એગ્રી સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ તેમજ એન્‍વાયર્મેન્‍ટલ ડીફેન્‍સ ફંડ (ઈડીએફ)ના અહેવાલ મુજબ વાર્ષિક દૂધ ઉત્‍પાદન વૃદ્ધિ દર ૬-૭ ટકાથી ઘટીને ૩.૫-૩.૭ ટકા થઈ ગયો છે. તાપમાનમાં પ્રતિ એક ડિગ્રી સેલ્‍સિયસનો વધારો થતા પશુ દીઠ દોઢથી બે લિટર દૂધ ઘટે છે, જે ડેરી કંપનીઓના નફા અને ગુણવત્તા પર અસર કરે છે.

આ સંકટ માત્ર પશુપાલકો પૂરતુ સીમિત નથી, પણ ડેરી ઉદ્યોગના સમગ્ર વ્‍યવસાય અને નાણાંકીય સ્‍થિતિને અસર કરી રહ્યું છે. હીટવેવને કારણે દૂધ પ્રાપ્તિ ખર્ચ વધ્‍યો છે અને દૂધમાં ફેટ તથા પ્રોટીનનું પ્રમાણ ઘટતા પનીર, ચીઝ અને દહીં જેવા મૂલ્‍ય વર્ધિત ઉત્‍પાદનોને નુકસાન પહોંચ્‍યું છે. આથી ડેરી ક્ષેત્ર સામે આર્થિક જોખમો સતત વધી રહ્યા છે.

આ સમસ્‍યાના ઉકેલ માટે રાષ્ટ્રીય ડેરી ડેટા પ્‍લેટફોર્મ, પશુઆહાર સુરક્ષા વ્‍યૂહરચના, દેશી ડેરી પ્રમાણીકરણ ઘોરણો અને આબોહવા અનુકૂળ કૌશલ્‍ય સંસ્‍થાઓની જરૂર છે. હાલ ભારતમાં એક ટકાથી પણ ઓછા દૂધાળા પશુઓનો વ્‍યવસ્‍થિત રેકોર્ડ ઉપલબ્‍ધ છે. પશુઓની ઉત્‍પાદકતા અને આરોગ્‍ય વિશેના સચોટ ડેટા વિના લક્ષિત નીતિઓ ઘડવી કે નાણાંકીય સહાય મેળવવી અત્‍યંત મુશ્‍કેલ બને છે.

પશુઓ દ્વારા થતા મિથેન ઉત્‍સર્જનને ઘટાડવા તેમના આહારમાં દરિયાઈ શેવાળ (સીવીડ) ઉમેરવાથી ૩૦થી ૪૦ ટકા ઘટાડો થઈ શકે છે. ભારતીય પશુઓની સરેરાશ ઉત્‍પાદકતા માત્ર ૭થી ૮ લિટર છે, જ્‍યારે બ્રાઝિલમાં રહેલી ભારતીય નસલ ૫૬ લિટર દૂધ આપે છે. ગરમી અને ભેજ સહન કરી શકતી દેશી ઓલાદોનું સંવર્ધન કરવું વર્તમાન સમયની તાકીદની જરૂરીયાત છે.

(10:18 AM IST)