News of Thursday, 18th June 2026
યુરોપમાં આબોહવા પરિવર્તનનો પ્રકોપ: ફ્રાન્સમાં હાહાકાર મચાવતો ભયાનક હીટવેવ, તાપમાન ૪૦ ડિગ્રી વટાવવાની આગાહી વચ્ચે ડઝનેક ટ્રેનો રદ, શાળાઓ બંધ!
પેરિસ સહિત દેશના ચોથા ભાગમાં હાઈ-એલર્ટ; ગરમીથી બચવા કેનાલમાં નહાવાની અપાઈ મંજૂરી, હવામાન વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી– "આ તો માત્ર શરૂઆત છે!"

પેરિસ : આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ફ્રાન્સ આ સમયે કુદરતના પ્રકોપનો ભોગ બન્યું છે. ફ્રાન્સના મોટાભાગના વિસ્તારોમાં એક નવો અને અત્યંત ભયાનક હીટવેવ (ગરમીનું મોજું) ફરી વળ્યો છે. આ અઠવાડિયાના અંત સુધીમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને આંબી જવાની આશંકા વચ્ચે ફ્રેન્ચ વહીવટીતંત્ર દ્વારા ડઝનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શાળાઓમાં વર્ગો સ્થગિત કરી દેવાયા છે. ચિંતાની વાત એ છે કે, સત્તાવાર રીતે ઉનાળો હજી રવિવારથી શરૂ થવાનો છે, પરંતુ મે મહિનાની અસાધારણ ગરમી બાદ ફ્રાન્સ આ વર્ષે બીજી વખત હીટવેવનો સામનો કરી રહ્યું છે.
પેરિસ ઓરેન્જ એલર્ટ પર: રહેવાસીઓને સાવધ રહેવા તાકીદ
રાજધાની પેરિસ સહિત દેશના ચોથા ભાગના વિસ્તારોને 'ઓરેન્જ એલર્ટ' (બીજા ક્રમનું સૌથી મોટું એલર્ટ) પર મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય હવામાન એજન્સી 'મેટિયો-ફ્રાન્સ'ના જણાવ્યા અનુસાર, આ ગરમી આગામી સપ્તાહ સુધી ચાલુ રહેશે અને રવિવાર કે સોમવારે તે તેની ચરમસીમા પર હશે. આ દરમિયાન વર્ષનો સૌથી લાંબો દિવસ (ઉનાળાનો અયનકાળ) પણ રવિવારે જ હોવાથી, લાંબા કલાકો સુધી પડનારો સૂર્યપ્રકાશ ગરમીના પ્રકોપને વધુ અસહ્ય બનાવશે. સત્તાવાળાઓએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે.
"૪૦ ડિગ્રી પર હું બધી શાળાઓ બંધ કરી દઈશ"
ફ્રાન્સમાં શાળાઓની ઇમારતો આટલી અતિશય ગરમીનો સામનો કરવા માટે સજ્જ ન હોવાથી મેયરો અને શૈક્ષણિક અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે. પેરિસની ૧૦થી વધુ મધ્યમ શાળાઓએ ગુરુવાર અને શુક્રવાર માટે તેમના સમયપત્રકમાં મોટો ફેરફાર કર્યો છે. લોયર ખીણના ટુર્સ (Tours) શહેરના મેયર ઇમેન્યુઅલ ડેનિસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, "જો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશે, તો હું મારી તમામ ૫૮ શૈક્ષણિક સંસ્થાઓને તાળાં મારી દઈશ." ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનાના હીટવેવ દરમિયાન ફ્રાન્સમાં ૨,૨૦૦ શાળાઓ બંધ કરવી પડી હતી.
"ફ્રાન્સમાં હવે ગરમીના મોજા વધુ વારંવાર, વધુ વ્યાપક અને વધુ તીવ્ર બની રહ્યા છે– આ પૃથ્વી પર થઈ રહેલા આબોહવા પરિવર્તનનો સૌથી સ્પષ્ટ અને ખતરનાક સંકેત છે."
— મેથિયુ સોરેલ (ક્લાઇમેટોલોજિસ્ટ, મેટિયો-ફ્રાન્સ)
રેલવે વ્યવહાર ખોરવાયો; ગરમીથી બચવા લોકો કેનાલના શરણે
આ ભીષણ ગરમીના કારણે દેશની લાઈફલાઈન ગણાતી રેલવે સેવાને પણ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના નેશનલ રેલ ઓપરેટર SNCF એ અતિશય તાપમાનને કારણે ટ્રેનોમાં એર કંડિશનિંગ (AC) સિસ્ટમ ફેલ થતી અટકાવવા માટે ગુરુવારથી સોમવાર વચ્ચે ચાલનારી ૭૧ લાંબા અંતરની ટ્રેનોને એડવાન્સમાં જ રદ કરી દીધી છે. બીજી તરફ, પેરિસના નાગરિકોને ગરમીથી રાહત આપવા માટે પ્રશાસને એક અનોખો નિર્ણય લીધો છે. પેરિસની પૂર્વમાં આવેલી પ્રસિદ્ધ 'કેનાલ સેન્ટ-માર્ટિન'માં લાઇફગાર્ડની દેખરેખ હેઠળ બુધવારથી લોકોને નહાવા અને સ્વિમિંગ કરવાની વિશેષ છૂટ આપવામાં આવી છે, જેથી લોકો ગરમીથી પોતાનો બચાવ કરી શકે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
