તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
માત્ર આઈસ્ક્રીમના પૈસા માંગવા બદલ હેવાનીયતની પરાકાષ્ઠા: ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારી કૂમળા ગર્ભની હત્યા
મધ્યપ્રદેશના મૌગંજમાં માનવતા મરી પરવારી: ચાર શખ્સોએ ત્રણ માસની ગર્ભવતી મહિલા પર કર્યો જીવલેણ હુમલો : સારવાર દરમિયાન હોસ્પિટલમાં આક્રંદ કરતા પરિવારે ન્યાયની માંગ કરી

મૌગંજ: મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લાના શિવરાજપુર ગામમાં એક એવી ઘટના બની છે જેણે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એક મહિલાએ માત્ર તેના આઈસ્ક્રીમના સ્ટોલ પર આઈસ્ક્રીમ ખાનારા યુવાનો પાસે પૈસા માંગ્યા, જેની અદાવત રાખીને ચાર નરાધમોએ અંધારી રાત્રે તેના પર હુમલો કર્યો. પીડિતા જ્યારે શૌચ ક્રિયા માટે જઈ રહી હતી ત્યારે અંકિત, બસંત, અશોક અને રાજેશ નામના શખ્સોએ તેને આંતરી હતી. આ શખ્સોએ મહિલા સાથે ઝપાઝપી કરી અને એક આરોપીએ તેના ગર્ભ પર જોરદાર લાત મારી હતી, જે તેના ગર્ભમાં રહેલા નિર્દોષ બાળક માટે કાળ સાબિત થઈ.
હુમલા બાદ ગંભીર હાલતમાં ઘરે પહોંચેલી ૨૫ વર્ષીય સાધનાને રાત્રિના સમયે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને ભારે રક્તસ્ત્રાવને કારણે ઘરે જ ગર્ભપાત થઈ ગયો હતો. ત્રણ મહિનાથી જે સંતાનની રાહ જોઈ રહેલા પરિવારે પળવારમાં પોતાનું બાળક ગુમાવી દીધું. પરિવારજનો તાત્કાલિક પીડિતાને નાયગઢી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેને સંજય ગાંધી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. પીડિત મહિલા અત્યારે શારીરિક પીડા કરતા માનસિક આઘાતમાં વધુ છે, કારણ કે આઈસ્ક્રીમના નજીવા પૈસાના વિવાદે તેની માતૃત્વની ખુશી છીનવી લીધી છે.
પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શરૂઆતમાં હુમલા અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ પોલીસનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાતની પુષ્ટિ થયા બાદ આરોપીઓ વિરુદ્ધ હત્યા જેવી કડક કલમો ઉમેરવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. અત્યારે પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે જેથી આ અમાનવીય કૃત્ય કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી શકાય.\
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
