તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મનપસંદ યુવક સાથે નિકાહ કરવા 120 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી યુવતી, 12 વાગ્યા સુધીમાં પરણાવો બાકી કૂદી જઉં એવી ધમકી આપી! ચાર કલાક ચાલેલા ડ્રામા બાદ લગ્ન પણ મોબાઈલથી થયા
યુપીના બહરાઈચમાં સવારે 6 વાગ્યે સાયદા નામની 18 વર્ષીય યુવતી ટાવર પર ચઢી, મુંબઈમાં કામ કરતા પ્રેમી નુરુદ્દીન સાથે નિકાહની જીદ, પોલીસ અને ગ્રામજનો બન્યા વચ્ચેટિયા, પરિવારોની સંમતિ બાદ કાઝીએ વીડિયો કોલ પર પઢાવ્યા નિકાહ

બહરાઈચ તા.24 : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાંથી પ્રેમનો એક અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. મનપસંદ યુવક સાથે નિકાહ કરવા માટે એક 18 વર્ષીય યુવતી 120 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી અને ધમકી આપી કે જો 12 વાગ્યા સુધીમાં તેના લગ્ન નહીં કરાવો તો તે કૂદી જશે. ચાર કલાક ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આખરે તેના લગ્ન મોબાઈલ ફોન પર વીડિયો કોલથી કરાવવા પડ્યા.
આ ઘટના બહરાઈચના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. શુક્રવારે સવારે 6 વાગ્યે સાયદા નામની 18 વર્ષીય યુવતી ગામના મોબાઈલ ટાવર પર ચઢી ગઈ. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને નીચે ઉતરવા સમજાવી, પરંતુ તે એક જ વાત પર અડગ રહી - મારે નુરુદ્દીન સાથે નિકાહ કરવા છે.
પોલીસ સ્ટેશનના SHO બ્રહ્મા ગોંડે જણાવ્યું કે સાયદા ગામના જ 21 વર્ષીય નુરુદ્દીન સાથે પ્રેમ કરે છે, જે હાલ કામ માટે મુંબઈમાં છે. ગ્રામજનોના કહેવા મુજબ નુરુદ્દીન પઠાણ સમાજનો છે જ્યારે સાયદા છૂરી હાર સમાજની છે. સ્ટેટસના ભેદભાવને કારણે બંને પરિવારો આ લગ્ન માટે તૈયાર ન હતા.
યુવતી ટાવર પર ચઢી હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. પરિવાર, ગ્રામજનો અને પોલીસે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નીચે ઉતરવા તૈયાર ન હતી.
આખરે પોલીસે બંને પરિવારો વચ્ચે સમાધાનની વાતચીત શરૂ કરી. ચાર કલાકની સમજાવટ બાદ બંને પરિવારો લગ્ન માટે તૈયાર થયા. ત્યારબાદ ઘટનાસ્થળે જ કાઝીને બોલાવવામાં આવ્યા અને મુંબઈમાં રહેલા નુરુદ્દીનનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. બંનેની સંમતિ લીધા બાદ કાઝીએ વીડિયો કોલ પર જ નિકાહની તમામ વિધિઓ પૂર્ણ કરાવી.
નિકાહ થયા બાદ સવારે લગભગ 10 વાગ્યે સાયદા ટાવર પરથી સુરક્ષિત રીતે નીચે ઉતરી આવી. પોલીસે કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારવાનો હતો, જેમાં અમે સફળ રહ્યા.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
