તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 3rd May 2026
દિલ્હીમાં રવિવારની કાળઝાળ સવાર : વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ બાદ ચાર માળની ઇમારતમાં ભભૂકી આગ : ઉંઘમાં જ 9 લોકો જીવતા ભુંજાયા
કોઈ પલંગ પરથી ઉઠી ન શક્યું તો કોઈ સીડીઓ પર જ કાળનો કોળિયો બન્યું : ટેરેસનો દરવાજો બંધ હોવાથી જીવ બચાવવા દોડેલા લોકોના હાડપિંજર મળ્યા : ઓળખ માટે હવે DNA ટેસ્ટનો આશરો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના શાહદરા સ્થિત વિવેક વિહાર વિસ્તારમાં રવિવારની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ હતી. અહીં એક ચાર માળની રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ કામગીરી દરમિયાન મળેલા મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
એસીમાં બ્લાસ્ટ થયો અને ક્ષણભરમાં માતમ છવાયો
પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટના રવિવારે વહેલી સવારના આશરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે ઇમારતના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે બીજી મંજિલના પાછળના ભાગમાં આવેલા એક એર કંડિશનર (AC) માં જોરદાર વિસ્ફોટ થયો હતો. એસી બ્લાસ્ટને કારણે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બીજી મંજિલથી ત્રીજી તથા ચોથી મંજિલ સુધીના ફ્લેટોને પોતાની લપેટમાં લઈ લીધા હતા.
સીડીઓ પર મોતનો પંજો, પલંગ પર જ ભુંજાયા લોકો
ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ તરફ ભાગ્યા હતા, પરંતુ કમનસીબે ધાબાનો દરવાજો બંધ હોવાના કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા અને સીડીઓ પર જ આગમાં ઝૂલસીને તેમના મોત થયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, ત્રણ લોકોના મૃતદેહ પલંગ પરથી જ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આગની તીવ્રતા એટલી વધારે હતી કે આ કમનસીબ લોકોને પલંગ પરથી ઉભા થવાનો પણ મોકો મળ્યો ન હતો.
બચાવ કામગીરી અને ઓળખની કવાયત
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ દળે ઇમારતના આગળના ભાગમાં રહેતા 10 થી 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, જેમાંથી બે લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે. જોકે, પાછળના ભાગમાં ફસાયેલા લોકો માટે આગ કાળ બનીને આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતદેહો આ હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે DNA ટેસ્ટની મદદ લેવામાં આવશે.
પરિવારજનોમાં આક્રંદ
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે મૃતકોના સગા-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. હાલમાં પોલીસે 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભયાનક અગ્નિકાંડમાં અનેક પરિવારોના માળા વેરવિખેર થઈ ગયા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
