તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ ના સંદર્ભમાં મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વન-ટુ-વન બેઠક : ગુજરાતમાં મોટા રોકાણો અંગે ફળદાયી ચર્ચા
આનંદ મહિન્દ્રા, નિખિલ મર્ચન્ટ, શ્રીમતી દીપાલી ગોએન્કા, સતિષ પાઈ અને અમિત હરલાલકાએ રાજ્યની ઔદ્યોગિક નીતિઓ વખાણી : AMNS કંપની હજીરા ખાતે ૨૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭’ ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે રોડ-શો અને ઉદ્યોગ જગતના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ માં સહભાગી થવા અને ગુજરાતના રોકાણ અનુકૂળ વાતાવરણનો લાભ લેવા આહવાન કર્યું હતું. આ તકે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ ગુજરાતમાં પોતાના રોકાણ, ભૂતકાળના અનુભવો અને ભાવિ વિઝન અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી.
ઇલેક્ટ્રિક વાહનો અને ગિફ્ટ સિટી ક્ષેત્રે તકો અંગે આનંદ મહિન્દ્રા સાથે ચર્ચા:
મહિન્દ્રા ગ્રુપના વડા આનંદ મહિન્દ્રાએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે પ્રથમવાર આ જ રૂમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક થઈ હતી, ત્યારે તેમની દુરંદેશીથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની ચર્ચા દરમિયાન ગુજરાતમાં EV (ઇલેક્ટ્રિક વાહનો) અને GIFT સિટી ક્ષેત્રે નવી તકો શોધવા અંગે મહિન્દ્રા ગ્રુપ સાથે ફળદાયી વાટાઘાટો થઈ હતી. આ બેઠકમાં રોકાણ, પરસ્પર સહયોગ અને આર્થિક વિકાસ માટેના નવા માર્ગો તપાસવામાં આવ્યા હતા.
શિપિંગ પોલિસીની સરાહના અને ટેક્સટાઇલ ક્ષેત્રે નવું રોકાણ:
સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં ‘સ્વાન એનર્જી’ (Swan Energy) ના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ રજૂ કરી હતી. તેમણે ગુજરાતની શિપિંગ પોલિસીની મુક્તકંઠે સરાહના કરી હતી અને વિકસતા જતા આંતરરાષ્ટ્રીય વ્યવસાયને ટેકો આપવા માટે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર કનેક્ટિવિટી અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, વેલ્સપન ઇન્ડિયા લિ. ના સીઈઓ શ્રીમતી દીપાલી ગોએન્કાએ જણાવ્યું હતું કે, ગુજરાતની મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ તરફી નીતિઓનો લાભ લઈને વિકાસ, નિકાસ અને રોજગારીને વેગ આપવા માટે રાજ્યમાં નવા રોકાણ અને વિસ્તરણ અંગે રચનાત્મક વિચારણા કરવામાં આવી હતી.
કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ:
હિન્ડાલ્કો કંપનીના એમડી સતિષ પાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં વિપુલ તકો રહેલી છે. બેઠક દરમિયાન ઇ-વેસ્ટ મેનેજમેન્ટ, સર્ક્યુલર ઇકોનોમી અને કોપર રિસાયક્લિંગ ક્ષેત્રે વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેમણે જાહેરાત કરી હતી કે આગામી ડિસેમ્બર મહિનામાં કંપનીના નવા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી ગુજરાતની અગ્રણી કોપર ડેસ્ટિનેશન તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.
હજીરા ખાતે રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ અને વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ:
AMNS ના સીઈઓ અમિત હરલાલકાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની બેઠકમાં કંપનીની મહત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી. કંપની જૂન સુધીમાં રૂ. ૮૦,૦૦૦ કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આ ઉપરાંત, હજીરા ખાતે પુનઃપ્રાપ્ય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધારાના રૂ. ૧૦,૦૦૦ કરોડનું નવું રોકાણ કરવામાં આવશે. કંપનીએ હજીરા ખાતે ૨૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાની પોતાની યોજના પણ રજૂ કરી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
