<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અજય રાયની પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણીથી સીએમ યોગી લાલચોળ: "આ કોંગ્રેસની માનસિક નાદારી છે!"

બીમારી વખતે વડાપ્રધાને જેમના સાજા થવાની દુઆ માંગી હતી, તે જ યુપી કોંગ્રેસ પ્રમુખ કેમેરા સામે અપશબ્દો બોલતા ઝડપાયા: ભાજપે કહ્યું- 'મોહબ્બત કી દુકાન' ચલાવનારાઓના દિલમાં આટલી કડવાશ કેમ?

લખનૌ:  ઉત્તર પ્રદેશના રાજકારણમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી એક અત્યંત વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણીને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ હળવેથી આગળ વધતી કારની સામે ઉભેલા કેટલાક કાર્યકરોની હાજરીમાં વડાપ્રધાન માટે બિનસંસદીય અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા કેદ થયા છે. આ વીડિયો સામે આવતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભારે ગુસ્સે ભરાયા છે અને તેમણે આ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી છે. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહારો કરતા લખ્યું કે, વડાપ્રધાન વિશેની આવી અભદ્ર અને અક્ષમ્ય ટિપ્પણીઓ કોંગ્રેસના સંસ્કારો અને તેમના રાજકીય કુસંસ્કારની સાબિતી આપે છે. કોંગ્રેસ હવે હતાશા અને માનસિક નાદારીના શિખરે પહોંચી ગઈ છે.

આ વિવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ પણ મોરચો સંભાળતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે કોઈનો અંત નજીક આવે છે ત્યારે તેના શબ્દો મર્યાદા ઓળંગી જતા હોય છે. અજય રાયના આ અપશબ્દો કોંગ્રેસ પાર્ટીની અંદર વ્યાપેલી ગભરામણ અને હતાશા દર્શાવે છે. પંકજ ચૌધરીએ કોંગ્રેસની કથિત વિચારધારા પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું કે, જે લોકો આખા દેશમાં 'મોહબ્બત કી દુકાન' ખોલવાની મોટી-મોટી વાતો કરે છે, તેમના પોતાના નેતાઓના ઇરાદા અને વાણી આટલા કડવા અને ઝેરીલા કેમ છે? તેમણે ઉમેર્યું કે દેશની જનતા આ પ્રકારની અભદ્ર રાજનીતિનો જવાબ આગામી સમયમાં લોકશાહી ઢબે બેલેટ બોક્સ દ્વારા આપશે.

બીજી તરફ, ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટના પાછળના એક અત્યંત રસપ્રદ કનેક્શનનો ખુલાસો કરીને કોંગ્રેસને આઈનો બતાવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું કે, હજુ થોડા દિવસો પહેલા જ લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન અજય રાયની તબિયત અચાનક લથડી હતી અને તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમયે પીએમ નરેન્દ્ર મોદીએ પક્ષિય રાજનીતિથી ઉપર ઉઠીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અજય રાય ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીના આ ઉચ્ચ શિષ્ટાચાર અને માનવતાના જવાબમાં અજય રાયે જે રીતે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે, તે કોંગ્રેસની રાજનીતિનું કથળેલું સ્તર દર્શાવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વીડિયો વિવાદ આગામી દિવસોમાં કોંગ્રેસ માટે ભારે પડી શકે છે

(8:09 PM IST)